ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના સ્વાગત માટે ભાજપના કાર્યકરોમાં અનેરો થનગનાટ: કાલે બપોરે ૩.૦૦ કલાકે ઇન્કમટેક્સ પાસેના ઓવરબ્રિજનું લોકાર્પણ, બપોરે ૪.૩૦ કલાકે દિનેશ હોલ ખાતે ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી તથા ૫ જેટલી તલાટીઓની કચેરીઓનું લોકાર્પણ
તારીખ ૪ જુલાઇ વહેલી સવારે ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે મંગળા આરતી કરશે
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રના ગૃહમંત્રી તથા ગાંધીનગરના લોકસભાના સાંસદ અમિતભાઇ શાહ દેશભરમાં ભાજપાને ૩૦૩ બેઠકો પર ભવ્ય વિજય અપાવી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે ભાજપાના કાર્યકરો અને આગેવાનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
૩ જુલાઇના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ બપોરે ૨.૦૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશના પદાધિકારી, ધારાસભ્ય સહિતના ભાજપાના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિશાળ સંખ્યામાં અમદાવાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
બપોરે ૩.૦૦ કલાકે અમિતભાઇ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામેલ ઇન્કમટેક્સ પાસેના ઓવરબ્રીજનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પણ બ્રીજના બંને છેડે વિશાળ સંખ્યામાં કાર્યકરો અમિતભાઇ શાહનું અભિવાદન કરશે.
કાલે બપોરે ૪.૩૦ કલાકે દિનેશ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભા વિસ્તારના ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ તથા લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા વિસ્તારની ૦૫ જેટલી તલાટીઓની કચેરીઓનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશના પદાધિકારી, ધારાસભ્ય, કોર્પોરેટર અને ભાજપાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
સાંજે ૫.૩૦ કલાકે જીએમડીસી ક્ધવેન્શન હોલ ખાતે અમિતભાઇ શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારની ૦૭ વિધાનસભા વિસ્તારના કાર્યકરોનો અભિવાદન સમારોહ યોજાવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં અમિતભાઇ શાહને ૫.૫૦ લાખ કરતા પણ વધુ મતોથી વિજય બનાવનાર ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યકરોનું અભિવાદન કરવામાં આવશે.
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતભાઇ શાહે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપાને ૩૦૩ જેટલી લોકસભા બેઠકો પર વિજય અપાવ્યો છે. દેશના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે જે રીતે રાષ્ટ્રહિતના કાર્યો કર્યા તે જ રસ્તે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અમિતભાઇ શાહ દેશસેવા કરી રહ્યા છે. તેઓ જ્યારે પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોય ત્યારે ગુજરાતની જનતા માટે આ ગૌરવપૂર્ણ બાબત છે, ત્યારે કાર્યકરો અને શુભેચ્છકોમાં તેમને આવકારવા અને અભિવાદન કરવા ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે.
વર્ષોથી રથયાત્રાના પાવન દિવસે અમદાવાદ ખાતે શ્રી જગન્નાથજીના મંદિરે અમિતભાઇ શાહહ મંગળા આરતી કરતા આવ્યા છે તે પરંપરા મુજબ આગામી તારીખ ૪ જુલાઇના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે આવેલ જગન્નાથજીના મંદિરે મંગળા આરતી કરશે.