એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન કોઇપણ દુ:સાહસ કરે તો તેની સરહદમાં ઘૂસીને યુદ્ધ કરવા ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે તૈયારી દર્શાવી હતી
કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ આતંકવાદી તત્વોને સબક શીખવવા ભારતીય સેના દ્વારા બાલાકોટમાં આવેલા ટ્રેનીંગ કેમ્પો પર એર સ્ટ્રાઈક કરીને તેનો નાશ કર્યો હતો જે બાદ પાકિસ્તાની સેના ભારતની સરહદ પર છમકલા કરે તેવી આશંકા હોય ભારતીય સેના ‘આર-પાર’ યુધ્ધ કરી લેવા તૈયાર હતી બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેના પ્રમુખ બીપીન રાવતે કેન્દ્ર સરકારને સ્પષ્ટ પણે જણાવી દીધું હતુ કે પાકિસ્તાની સેના વળતો હુમલો કરે તો વિધિવત યુધ્ધ જાહેર કરી દેવું ભારતીય સેના પાકિસ્તાનની સરહદમાં ઘુસી તેને સબક શીખવવા તૈયાર છે.
ભારતીય સેનાના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતુ કે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાની સેના ભારતીય સરહદ પર છમકલા કરે તેવી સંભાવના વ્યકત થઈ હતી. જેથી પાક.ની આવી નાપાક હરકત સામે ‘આર-પાર’ની લડાઈ લડી લેવા વિધિવત યુધ્ધ કરી લેવા સુધીની ભારતીય સેનાએ તૈયારી કરી લીધી હતી. ભારતીય સેનાએ યુધ્ધ જાહેર થાય તો પાકિસ્તાનની સરહદમાં ઘુસીને આકરો જવાબ આપવાની પણ તૈયારી કરી લીધી હતી. સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે કેન્દ્ર સરકારના ઉચ્ચ પદાધિકારી અધિકારીઓને તેમની સેનાની તૈયારી અને યોજના અંગેની વિગતો પણ આપીને પાકિસ્તાનના કોઈપણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા હિમાયત કરી હતી.
સેના પ્રમુખ રાવતે તાજેતરમાં રીટાયર્ડ થયેલા એક વરિષ્ટ સેના અધિકારીને તેમની સેનાની ‘આર-પાર’ની લડાઈ લડી લેવાની તૈયારી અંગે વિગતો આપી હોવાનો સુત્રોએ દાવો કર્યો હતો. જો કે, જનરલ રાવતની આ ચર્ચા પર સેનાના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતુ કે આર્મીચીફના આ નિવેદનનો અર્થ એ હતો કે, ભારતીય સેના યુધ્ધને પાકિસ્તાનની સરહદમાં લઈ જવા માટે પૂરી રીતે તૈયારી કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ ૧૧ હજાર કરોડ રૂા.ના ખર્ચે અતિઆધુનિક શસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી હતી અને બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે આ મજૂરી મુજબના ૯૫ ટકા હથીયારો મેળવી પણ લીધા હતા ભારતીય સેના દ્વારા તાજેતરમાં આધુનિક હથીયારો ખરીદવા સાત હજાર કરોડ રૂા.ના ૩૩ કોન્ટ્રાકટ ફાયનલ કરી દીધા છે.
જયારે ભારતીય સેના ૯ હજાર કરોડ રૂા.ના એક અતિ આધુનિક હથીયારો ખરીદવાના કોન્ટ્રાકટ પર છેલ્લા તબકે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પૂલવામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ટુકડીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સેંકડો સુરક્ષા જવાનો શહીદ થયા હતા જે બાદ, વળતા જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન હસ્તક કાશ્મીરના બાલાકોટમાં આવલે જૈશ એ મહંમદના આતંકી ટ્રેનીંગ કેમ્પો પર હુમલા કરીને તેનો નાશ કર્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે તંગ બનેલા વાતાવરણથી યુધ્ધ થાય તેવી સ્થિતિ સંભાવના વ્યકત થઈ હતી.