અંતરીક્ષમાં ઘણા દિવસ રહ્યા બાદ કોઇ પ્રાણી પૃથ્વી પર જીવતું પાછું આવ્યું હોય તેવો પહેલો સફળ પ્રયોગ. 2017માં 40 મૂષકને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રખાયા હતા . કેટલાક ઉંદર પૃથ્વી પર રહ્યા હતા . બંને મૂષકોને ખાસ પ્રકારનું પ્રોટીન આપવામાં આવ્યું હતું. મૂષકોનાં હાડકાંની કુદરતી રચનાને કોઇ ગંભીર નુકસાન થયું નહોતું.
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)નો માર્સ મિશન માટેનો માઇસ એસ્ટ્રોનટ્સ પ્રયોગ સંપૂર્ણ સફળ રહ્યો છે. એટલે કે નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલેલા ઉંદર સહી સલામત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. નાસાએ આ તમામ ઉંદરને માઇસ એસ્ટ્રનટ્સ(અવકાશયાત્રી ઉંદર) એવું વિશિષ્ટ નામ આપ્યું છે.
અંતરીક્ષમાં ઘણા દિવસ રહીને કોઇપણ પ્રાણી જીવતુંજાગતું અને સલામત રીતે પૃથ્વી પર પાછું આવ્યું હોય તેવો આ પહેલો સફળ પ્રયોગ છે. નાસાએ આ સફળ પ્રયોગની વિગતો થોડા સમય પહેલાં જાહેર કરી છે.
નાસા ૨૦૩૦ -૩૫ દરમિયાન સૂર્યમંડળના લાલ ગ્રહ મંગળ પર પોતાના અવકાશયાત્રીઓ(સમાનવ અવકાશયાન) મોકલવા ભરપૂર તૈયારી કરે છે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે નાસાએ ૨૦૧૭માં ૪૦ ઉંદર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેનમાં મોકલવાનો જોખમી પ્રયોગ કર્યો હતો. સાથોસાથ મૂષકના એક જૂથને અમેરિકાના ફ્લોરીડામાં તૈયાર કરાયેલી ખાસ પ્રકારની કેબિનમાં રાખવામાં આવ્યા હતા. નાસાને આ પ્રયોગમાં સંપૂર્ણ સફળતા મળી છે.
માઇસ એસ્ટ્રોનટ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઝીરોગ્રેવિટી અથવા માઇક્રોગ્રેવિટી( ગુરુત્વાકર્ષણબળ વિહીન અવસ્થા) પરિસ્થિતિમાં રહીને જીવતાજાગતા પૃથ્વી પર પાછા આવ્યા છે.સાથોસાથ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ તમામ મૂષકો પર કરેલા વૈજ્ઞાાનિક પ્રયોગોનાં પરિણામો પણ માટે બહુ સાનુકુળ અને હકારાત્મક રહ્યાં છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૦૩૦ -૩૫ દરમિયાન સૌર મંડળના રાતા ગ્રહ મંગળ પર સમાનવ અવકાશયાન મોકલવા તૈયારી કરી રહ્યા છીએ. અમારા અવકાશયાત્રીઓને પૃથ્વીથી ૫.૫૭ કરોડ કિલોમીટરના દૂરના અંતરે રહેલા લાલ ગ્રહ સુધી જવામાં ૩૦૦ દિવસ(નવ મહિના કરતાં વધુ) થાય. આટલા બધા દિવસ અફાટ અંતરીક્ષમાં ગુરુત્વાકર્ષણ વિહીન અને વજનવિહીન અવસ્થામાં રહેવાથી અવકાશયાત્રીઓનાં હાડકાંને કેટલું નુકસાન થાય છે, તેમની શ્વાસોચ્છવાસની, બ્લડપ્રેશરની, નિદ્રાની કુદરતી પ્રક્રિયામાં કેવા ફેરફાર થાય છે તેના પ્રયોગ કરવા જરૂરી છે.
આ પ્રયોગના હિસ્સારૂપે અમે ૨૦૧૭માં ૪૦ ઉંદર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલ્યા હતા. આ તમામ ઉંદર માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (લોસ એન્જલસ) અને ફોરસાયથ ઇન્સ્ટિટયુટ(મેસેચ્યુસેટ્સ)ના વિજ્ઞાાનીઓએ ન્યુરલ એપિડર્મલ ગ્રોથ ફેક્ટર લાઇક ૧ પ્રોટીન( નેલ -૧) ખાસ પ્રકારનું પ્રોટીન તૈયાર કર્યું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંનાં પેગ્ગી હ્વીટસન અને જેક ડી.ફીશર નામના અવકાશયાત્રીઓએ ઉદરોને નેલ-૧ પ્રોટીન અથવા ખાસ પ્રકારનું સલાઇન સોલ્યુશન આપ્યું હતું.
બીજીબાજુ ઉંદરોના એક જૂથને પૃથ્વી પર એટલે કે ફ્લોરીડામાં એક ખાસ પ્રકારની કેબિનમાં રાખીને આ જ પ્રોટીન આપવામાં આવ્યું હતું. આ પ્રોટીન આપ્યા બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંનાં ઉંદરોના શરીરમાં અને પૃથ્વી પરના ઉંદરોના શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે તેનું સતત નિરીક્ષણ કરને તેની નોંધ રાખવામાં આવી હતી.
એક તબક્કે ૪૦ માંથી ૨૦ ઉંદર નવ સપ્તાહ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જ રહ્યા જ્યારે બાકીના ઉંદર સાડા ચાર અઠવાડિયાં બાદ પૃથ્વી પર પાછા આવ્યા હતા. પૃથ્વી પર પાછા આવ્યા બાદ આ બધા ઉંદરોને તબીબી પ્રયોગશાળામાં રાખવામાં આવ્યા હતા.