ફરી વિદ્યાર્થીઓના કિલોલથી શાળાઓ ગુંજી ઉઠી
રાજ્યની શાળાઓમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. નવા સત્રની શરૂઆત સાથે બાળકોના કિલોલ સાથે શાળા-સંકુલો ફરી ગુંજી ઉઠ્યા છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શાળાઓના અભ્યાસ પર ગંભીર અસર પડી હતી. બે વર્ષ બાદ હવે શાળાઓ નવા સત્રના પ્રારંભ સાથે જ રાબેતા મુજબ શરૂ થઇ છે.
સ્કૂલ ચલે હમ
રાજ્યની શાળાઓમાં આ વખતે વાર્ષિક પરીક્ષાઓ બે સપ્તાહ મોડી લેવામાં આવી હતી. જેને પગલે ઉનાળું વેકેશન પણ મોડું શરૂ થયું છે અને તેના લીધે જ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ પણ એક સપ્તાહ મોડો થયો છે.
આજથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થઇ છે ત્યારે મોટા ભાગની શાળાઓમાં સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો પણ મોકલી દેવામાં આવ્યા છે. ગણિત અને ગુજરાતી પુસ્તકો સિવાયના મોટાભાગના પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત જે પુસ્તકો બાકી છે તે પણ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હાથમાં આવી જશે. આજે શાળા ખૂલતાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની 80 થી 90 ટકા જેટલી હાજરી જોવા મળી હતી અને બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.