‘ટેકા’ જેવા ભાવ મળતા મોટાભાગના ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી ઠાલવી રહ્યા છે: પડતર ૩૦૦૦૦ જેવી ગુણીનો બે દિવસમાં નિકાલ થવાની સંભાવના

રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી રવિવાર બપોર પછી ફરી મગફળીની આવક આવવા દેવામાં આવશે. પખવાડિયા બાદ રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ખેડુતો પોતાની મગફળી ઠાલવશે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિ વચ્ચે પણ મગફળીના બમ્પર ઉત્પાદનથી હજુસુધી ખેડુતોનાં ઘરો મગફળીથી ભરેલા છે. જેના નિકાલ માટે દર વખતે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીના વાહનોની લાંબી લાઈનો લાગે છે.આગામી રવિવારથી ફરી રાજકોટ માર્કેટીંગ યાર્ડ મગફળીથી છલકાશે.

હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ચાલુ હોય તેમ છતા ખેડુતો ઓપન માર્કેટમાં મગફળી વહેચવાનું પસંદ કરે છે. સરકાર દ્વારા મગફળીના પ્રતિમણ રૂ. ૧૦૫૫ મળી રહ્યા છે. તેમ છતાં ખેડુતો ટેકાનાભાવે મગફળી વહેચવાને બદલે ઓપન માર્કેટમાં મગફળી વહેચી તુરત નાણા મેળવીરહ્યા છે. ખેડુતોને ઓપન માર્કેટમાં ટેકા જેવો ભાવ મળી રહ્યો છે તેમજ તુરંત પૈસા છૂટા થઈ રહ્યા છે. તેથી જ મોટાભાગના ખેડુતો માર્કેટીંગ યાર્ડમાં પોતાની મગફળી ઠાલવી રહ્યા છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડા થોડા દિવસે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક આવવામાં દેવામાં આવે છે. યાર્ડમાં પુષ્કળ સ્ટોક થઈ જતા ફરી આવક પર પ્રતિબંધ મૂકી દેવાઈ છે. ત્યારે પખવાડિયા બાદ આગામી રવિવારે બપોર બાદ ફરી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થશે. દર વખતની જેમ આ વખતે પણ પુષ્કળ મગફળી આવવાની શકયતા છે. કારણ કે મોટાભાગના ખેડુતો યાર્ડમાં જ મગફળી વહેચવા પ્રાથમિકતા આપી રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં પુષ્કળ પ્રમાણમાં મગફળી ઠલવાઈ રહી છે. હાલ બેડી યાર્ડમાં ૩૦૦૦૦ જેવી ગુણી પડતર માલ પડયો છે. જેનો બે દિવસમાં નિકાલ થઈ જશે. હાલ મગફળીના સરેરાશ ભાવ રૂા.૯૦૦ થી ૧૦૬૦ સુધીનાં બોલાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.