15 મી ઓગસ્ટ, આઝાદ ભારત તેનો 75 મો જન્મદિન ઉજવી રહ્યું છે. દેશભરમાં ખાદીધારીઓ માથે ટોપી મુકીને તિરંગા નીચે ઉભા રહીને નારાબાજી કરીને બે દિવસ પછી પોતાના કામધંધે લાગી જશે. આજે આપણે આઝાદીનાં 75 વર્ષમાં દેશની ઇકોનોમી, વિકાસ તથા પાયાની સુવિધાઓના મામલે દેશ ક્યાં પહોંચ્યો છે તેની વાત કરીશું, કોઇ જ રાજકિય દ્વેષભાવ વિના..! જો કોઇ વિકાસ થયો છે તો તેના માટે જુની અને હાલની બન્ને સરકારો હકદાર છે અને જો કોઇ ખામી રહી ગઇ છે તો તેના માટે પણ બન્નેની સહીયારી જવાબદારી બને છે..!

શું તમે જાણો છો કે જ્યારે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે એટલે કે 15 મી ઓગસ્ટ-1947 ના દિવસે ભારતનાં એક રૂપિયાની કિંમત એક અમેરિકન ડોલર જેટલી જ હતી. આજે 75 વર્ષ બાદ એક ડોલરની કિમત 74 થી 75 રૂપિયા બોલાય છે.

વંશાવળીનાં ચોપડા બોલે છે કે જ્યારે આઝાદીની તૈયારીઓ શરૂ થઇ ત્યારે એટલે કે માર્ચ-1947 માં ભારત ઉપર 2331.98 કરોડ રૂપિયાનું દેવું હતું. વિભાજન વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ફાયનાન્શ્યલ કરાર અનુસાર ભારતે આ તમામ દેણાની જવાદારી ઉઠાવી હતી અને મુદલ તથા વ્યાજની રકમ ચુકવી દીધી હતી. એ સમયે એવું નક્કી થયું હતું કે આ કર્જનો પાકિસ્તાનનો હિસ્સો 300 કરોડ રૂપિયા જેટલો થતો હતો જે પાકિસ્તાને 1952 ની સાલ પછી દર વર્ષે ભારતને કુલ 50 વાર્ષિક હપ્તાના રૂપમાં ચુકવવો એવું નક્કી થયું હતું. પરંતુ પાકિસ્તાને આજસુધી ક્યારેય આ હપ્તાની ચુકવણી શરૂ કરી જ નથી. બીજીતરફ માર્ચ-2021 નાં અંતે ભારતનું દેવું વધીને 570 અબજ ડોલર એટલે કે આશરે 42180 અબજ રૂપિયા થયું છે. 1948 માં ભારતમાં વિદેશી મુડીરોકાણ એટલે દેશની ગુલામી એવો ક્ધસેપ્ટ હતો. એ વખતે માંડ 250 કરોડ રૂપિયાનું વિદેશી મુરીરોકાણ હતું જે 2020 માં 81.72 અબજ અમેરિકન ડોલરનું નોંધાયું છે.

જો ભારતે ઘણુ ગુમાવ્યું છે તો ઘણું સિધ્ધ પણ કર્યુ છૈ. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે અંગ્રેજો બધું વીણીને  લૂંટીને સફાચટ કરીને ગયા હતા. એક સમયે સોનાની ચિડિયા ગણાતું અખંડ ભારત આઝાદી સમયે થર્ડ વર્લ્ડ કંટ્રી એટલે કે ગરીબ, અવિકસિત, ગરીબીની રેખા હેઠળ જીવતી પ્રજા વાળો દેશ ગણાતો હતો. જે આજે વિશ્વની છઠ્ઠાક્રમની ઇકોનોમી ગણાય છે. આઝાદી વખતે આપણો જી.ડી.પી. 2.7 લાખ કરોડ રૂપિયા હતો જે આજે 135.13 લાખ કરોડે પહોંચ્યો છે.  1950 ની સાલમાં ભારતને તેની પ્રજાને ખવડાવવા માટે સહાયના ખાદ્યાન્ન ઉપર નિર્ભર રહેવું પડતું હતું. 1950 માં દેશનું અનાજનું ઉત્પાદન 549 લાખ ટન હતું જે 2020 માં વધીને 3054 લાખ ટને પહોંચ્યું છે.  આમછતા આપણે હજુ કઠોળ તથા ખાદ્યતેલોનાં ના વપરાશના મામલે આપણે હજુ બીજા ઉપર અર્થાત આયાતી માલ ઉપર નિર્ભર રહેવું પડે છે.

1950 માં દેશનું ફોરેક્ષ રિઝર્વ 1029 કરોડ રૂપિયા હતું.  1991 ના વર્ષ સુધી ભારત પાસે ફોરેક્ષ રિઝર્વ દેશની આયાતનો ત્રણ સપ્તાહનો ખર્ચ કાઢી શકે એટલું મર્યાદિત હતું. આજે ભારતનું ફોરેક્ષ રિઝર્વ વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે. ભારત પાસે હાલમાં ગોલ્ડ રિઝર્વ 37.644 અબજ ડોલર છે. જ્યારે ઇન્ટરનેશનલ મોનટરી ફંડ (આઇ.એમ.એફ.)માં ભારતનાં સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ પણ 1.552 અબજ ડોલર થયા છે.

માળખાકિય સુવિધા જોઇએ તો અંગ્રેજો ભારતને સૌથી મોટી રેલવે લાઇન આપીને ગયા હતા. જેને કોલસા કે ડિઝલમાંથી આપણે ઇલેક્ટ્રિક ટ્રેનમાં તબદીલ કરી રહ્યા છીએ અને નવી લાઇનો વધારીને રેલવેનું નેટવર્ક 67956 કિલોમીટરનું કર્યુ છે. જ્યારે રોડવેઝના વિકાસમાં હરણફાળ ભરી છે. 1950 માં આઝાદીકાળમાં ભારતનું રર્સ્તાનું માળખું ચાર લાખ કિલોમીટર હતું જે આજે 64 લાખ કિલોમીટરે પહોંચ્યું છે.. બાકી હોય તો આપણે, મેટ્રો રેલ, બુલેટ રેલ તથા હાઇસ્પીડ ટ્રેનનાં પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ.

સરકારી આકડા બોલે છે કે 1950 માં દેશમાં 3061 ગામડાંમાં વીજળી હતી અને દેશનાં મોટા શહેરોમાં અચાનક કલાકો સુધી વીજળી ગુલ થઇ જતી હતી. 2018 માં સરકારે જાહેરાત કરી છે કે દેશનાં 597464 ગામડાને વીજળીની સુવિધાથી સાંકળી લેવાયા છે.   જો કે જે ગામડાંમાં 10 ટાથી વધારે ઘરોમાં વીજળી હોય તેને વીજળીની સુવિધા વાળું ગામ કહી શકાય છે. ખાટલે મોટી ખોટ એ છે કે હજારો ગામડાંમાં આજે પણ બાકીનાં લાખો ઘરો વીજળી વિનાનાં છે.

એક સમય હતો જ્યારે કોઇપણ પરિવારનાં ઘરમાં ટેલિફોનની સુવિધા હોય તો તે સ્ટેટસ સિમ્બોલ ગણાતું, તેના પડોશીઓ તેની સાથે સંબંધ રાખવા ઉત્સુક રહેતા જેથી તેનો ફોન નંબર સગાવહાલાઓને આપીને ઇમર્જન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય. આજે દરેક ઘરમાં દરેક નાગરિક પાસે મોબાઇલ ફોન હોય છે. કદાચ 5 જી ની સુવિધામાં ભારત ટોચનાં પાંચ દેશોમાં હશે.

એવું કહેવાય છે કે માનવજાતની સૌથી મોટી સંપત્તિ તેનું શિક્ષણ અર્થાત જ્ઞાન છે. વોરેન બફેટ કહે છે કે  ધ મોર યુ લર્ન, ધ મોર યુ અર્ન. અને આ શિક્ષણનાં ક્ષેત્રમાં ભારતે પીઠ થાબડી શકાય તેવી સફળતા હાંસલ કરી છે.

1950 ના વર્ષમાં ભારતનો લિટરસી રેટ 16.7ટકા જેટલો નીચો હતો. જે આજે 75 ટકા જેટલો ગણાય છે. આ શિક્ષણ જ આગામી દાયકામાં ભારતને સફળતાના શિખરે લઇ જશે. એક સમયે અવકાશમાં સેટેલાઇટ મોકલવા માટે ભારતને મોટી રકમ ચુકવવી પડતી હતી, આજે અમેરિકા સહિતનાં દેશો ભારતીય લોંચ પેડ દ્દવારા સેટેલાઇટ અવકાશમાં મોકલે છે.

1950 ના વર્ષમાં ભારતીયોની સરેરાશ લાઇફ 31 વર્ષ હતી જે આજે વધીને 71 વર્ષ થઇ છે. આ છે આ દેશની સાચી સફળતા., આ છે અખંડ ભારતની બુલંદ તસવીર અગર રુપિયાનાં અવમુલ્યન તથા વધતા કર્જ માટે સરકારો જવાબદાર છૈ તો આ સિધ્ધ માટે પણ આ સરકારો જ હકદાર ગણાવી જોઇએ..!સેલ્યુટ ધ રિયલ વોરિયર્સ!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.