આપણો દેશ હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહયો છે, ગત 7પ વરસમાં એવી કેટલીય મહત્વપૂર્ણ બાબતો છુટી ગઇ છે, જેને હવે રહી રહીને તેને મહત્વતા અપાઇ રહી છે. ભારતના લગભગ 17 રાજયોમાં પાંચ કરોડ પરિવારથી પણ વધુ સંખ્યા ધરાવતા વિવિધ પ્રકારના માલધારી સમુદાયો જોવા મળે છે, પરંતુ ગત 75 વરસમાં આ સમુદાયો અંગે કોઇ જ પ્રકારની આધિકારીક માહિતી એકત્ર કરાઇ ના હતી, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024 ની પશુધન વસ્તી ગણતરી (લાઇવસ્ટોક સેન્સેસ)માં માલધારી સમુદાયોના પશુધનની વસ્તી ગણતરી અલગથી કરવાનો નિર્ણય કર્યો છે. આઝાદીના અમૃતકાળના સમયમાં દેશની સરકાર દ્રારા આ ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે.
કચ્છના ભુજ ખાતે, વિન્ટર ફેસ્ટીવલના ભાગરૂપે લીવીંગ લાઇટલી માલધારી પ્રદર્શન સાથે સાથે રાષ્ટ્રીય યુવા માલધારી સંમ્મેલન શ્રી પરસોતમભાઇ રૂપાલા (કેન્દ્રીય મંત્રી પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન)ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, આ સમ્મેલનમાં કેન્દ્ર અને રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સાથે 17 રાજયોના 150 થી વધુ માલધારી યુવાનો ઉપસ્થિત રહયા હતા, જેમાં માલધારીઓની વસ્તી ગણતરી અલગથી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો, જેના પરિણામ સ્વરૂપે આ પહેલ કરવામાં આવી છે. આ રીતે કચ્છમાં યોજાયેલ માલધારી સંમ્મેલન સમગ્ર દેશના માલધારીઓ માટે ફળદાયક નિવડયુ છે.
તાજેતરમાં ભુજ ખાતે સહજીવન સંસ્થા તેમજ દિલ્હી ખાતે પશુપાલન વિભાગ દ્રારા દેશના માલધારીઓ સાથે બે વર્કશોપ આયોજીત કરવામાં આવ્યા હતા, જેમાં દેશમાં માલધારીઓ દ્રારા ઘૂમંતુ પશુપાલન પ્રણાલીને સમજવા માટે ચર્ચાઓ થઇ હતી. ભુજ યોજાયેલ માલધારી વર્કશોપમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને દેશના માલધારીઓની માહિતી એકત્ર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો, ઉપરાતં કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્રારા આ માલધારીઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવા અંગે રજુઆત કરાઇ હતી.
પશુપાલન મંત્રાલય દ્વારા જારી કરાયેલ પત્ર મુજબ રાજયવાર માલધારી સમુદાયોની યાદી, ઋતુગત પશુ ચરીયાણ અને સ્થાળાંતર માર્ગો, સમુદાયોની સામાજિક આર્થિક પરિસ્થિતિ તેમજ લાઇવસ્ટોક સેન્સેસમાં લેવાની થતી અન્ય માહિતી પુરી પાડવા વિવિધ સંસ્થાઓને રજુઆત કરવામાં આવી છે. સહજીવન સંસ્થા ભુજ અને અમાદાવાદ સ્થિત મારગ સંસ્થાને પણ સામેલ કરાઇ છે.
ગુજરાતમાં મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં માલધારીઓની વિશેષ વસ્તી જોવા મળેછે, જેમા કચ્છમાં રબારી, ભરવાડ, જત, બન્નીના માલધારીઓ, સોઢા, સમા સહીત વિવિધ માલધારી કોમો જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં રબારી, ભરવાડ, ચારણ, આહીર જેવા સમુદાયો માલધારી વ્યવસાય કરે છે, આ સેન્સસથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના હજારો પરિવારોને આ નિર્ણયથી ફાયદો થશે.
માલધારીઓની અલગથી ગણતરીની વિશેષતા શું છે ?
સામાન્ય રીતે દરેક પશુધન વસ્તી ગણતરીમાં સ્થાયિ પશુપાલકો, ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો અને ખેતી ધરાવતા ખેડુતોના પશુધનની ગણતરી થાય છે, કારણ કે તેઓ સ્થાયિ હોય છે અને તેમના પશુઓ એક જગ્યાએ બાંધેલા હોય છે, જેથી ગણતરી આસાનીથી થઇ શકે છે, જયારે વિચરતા માલધારીઓ એક એવા સમુદાય છે, કે સ્થાયિ નથી, કે તેમના પશુઓ બાંધેલા હોતા નથી, તેઓ ચરીયાણની શોધમાં એકથી બીજી જગ્યાએ જંગલો, ચરીયાણો અને વગડામાં નિરંતર ફરતા રહેશે, જેથી તેમના પશુઓની ગણતરી થઇ શક્તી નથી, અને સરકારની યોજનાઓ પણ તેમના સુધી પહોચી શકતી નથી, અર્થતંત્રમાં તેમનું ખુબ મોટું યોગદાન હોવા છતાં તેની નોંધ થઇ શક્તી નથી અને સરકાર તેમના માટે યોજનાઓ બનાવી શક્તી નથી. પરંતુ હવે માલધારીઓ જયાં પણ હશે ત્યાં તેમના પશુઓની ગણતરી કરી તેમને આવરી લેવામાં આવશે.