- રતન ભંડારના કપાટ ખોલાયા, અધિકારીઓ ખજાનો જોઈ દંગ રહી ગયા, હાલ ગણતરી ચાલુ
- 46 વર્ષ પછી પુરીના જગન્નાથ મંદિરનો ખજાનો રહસ્ય સર્જશે. ગઈકાલે બપોરે અહીં રતન ભંડારના કપાટ ખોલાયા હતા. અધિકારીઓ ખજાનો જોઈ દંગ રહી ગયા હતા. હાલ ત્યાં ગણતરી ચાલુ છે.
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના રતન ભંડારના કપાટ ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 46 વર્ષના લાંબા સમય બાદ આ રતન ભંડારના કપાટ ખોલ્યા છે. આ માટે રાજ્ય સરકારે કાલે બપોરે 1:28 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. આ પહેલા કપાટ વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા.
ચાર ધામોમાંથી એક જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં રતનોનો ભંડાર છે. જેમાં ત્રણ દેવતા જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રતનો રાખવામાં આવ્યા છે. ઘણા રાજાઓ અને ભક્તોએ ભગવાનને ઘરેણાં અર્પણ કર્યા હતા. તે બધા રતન ભંડારમાં રાખવામાં આવ્યા છે. આભૂષણોની કિંમત અમૂલ્ય હોવાનું કહેવાય છે. આજદિન સુધી તેનું મૂલ્યાંકન થયું નથી. આ ઐતિહાસિક ભંડાર જગન્નાથ મંદિરના જગમોહનના ઉત્તર કિનારે છે.
પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકર સ્વૈને કહ્યું, ’રતન ભંડાર આજે ફરી ખોલતા પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. અમે શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું ચુસ્તપણે પાલન કર્યું છે.’ રતન ભંડારની અંદર પાલક સાપ હોવાની અફવા પર દાસ મહાપાત્રાએ સ્પષ્ટતા કરી કે આવી કોઈ સમસ્યા નથી. ભારતીય રિઝર્વ બેંક ના પ્રતિનિધિની હાજરીમાં આભૂષણોની યાદી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આભૂષણોની ગણતરી કર્યા પછી એક ડિજિટલ કેટલોગ બનાવવામાં આવશે. જેમાં ફોટોગ્રાફ્સ, આભૂષણોનું વજન અને અન્ય વસ્તુઓની સાથે તેમની ગુણવત્તાનો સમાવેશ થશે.
મંદિર પ્રબંધન સમિતિના વડા અરવિંદ પાધીએ જણાવ્યું હતું કે ’અગાઉ રતન ભંડારના કપાટ વર્ષ 1905, 1926 અને 1978માં ખોલીને કિંમતી વસ્તુઓની યાદી બનાવવામાં આવી હતી. રતના ભંડારના કપાટ છેલ્લે 1985ની 14મી જુલાઈએ જ ખોલવામાં આવ્યા હતા. આ પછી રતન ભંડારના કપાટ ક્યારેય પણ ખોલવામાં આવ્યા ન હતા. ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું હતું કે ’જે અગાઉની સરકારો 24 વર્ષમાં નથી કરી શકી તે હવે થયું છે. અને આ કાર્ય માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.’
જગન્નાથ ઉપરાંત કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરની ગણતરી સૌથી અમીર મંદિરોમાં થાય છે. કહેવાય છે કે મંદિરમાં એટલો ખજાનો છુપાયેલો છે જેનો કોઈ અંદાજ પણ લગાવી શકતું નથી. સાત ભોયરાઓમાં ખજાના છે, જેમાંથી છ ખોલવામાં આવ્યા છે, જ્યારે સાતમાનો કપાટ હજુ પણ બંધ છે. આ કપાટ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ખોલવામાં આવ્યા હતા, જેમાંથી ઘણો ખજાનો મળી આવ્યો હતો. જેને મંદિર ટ્રસ્ટમાં જમા કરાવ્યા બાદ સાતમો દરવાજાનો કપાટ ખોલવાનો પ્રયાસ કરતાં જ અનેક મુશ્કેલીઓ ઉભી થવા લાગી.