એસ્ટ્રોલોજી ન્યુઝ
.22 જાન્યુઆરીએ ત્રણ શુભ યોગોનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. અયોધ્યામાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસ અનેક શુભ સંકેત લઈને આવી રહ્યો છે સોમવારની સાથે સાથે સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને નક્ષત્ર મૃગશીર્ષ છે જે અનેક શુભ બાબતો અંકિત કરે છે. આ યોગમાં પ્રભુ શ્રી રામ મંદિરમાં બીરાજમાન થશે જે ક્ષણ સમગ્ર વિશ્વ માટે ગૌરવશાળી હશે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ યોગ ખુબ જ મહત્વ ધરાવે છે અને આ સમગ્ર દિવસ દરમિયાન રામરક્ષાસ્તોત્રના પાઠ કરવાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. રાશિ મુજબ જોઈએ તો પ્રભુ શ્રી રામ આ યોગમાં અયોધ્યા મધ્યે બિરાજમાન થાય છે જે ફરી એ યુગની યાદ અપાવે છે અને પ્રભુ શ્રી રામના રાજ્યમાં સુખ શાંતિ સલામતીનો અહેસાસ કરાવે છે.
મેષ (અ,લ,ઈ) :
આ શુભ દિનથી ઘણી ઉર્જા પ્રાપ્ત થશે, વધુ લાગણીશીલ અને સંવેદનશીલ રીતે વિચારશો. પારિવારિક જવાબદારીમાં સમય વીતતો લાગશે. નવી વસ્તુઓ વસાવવા વિચાર થશે અને ઘરમાં કઈ ફેરફાર કરવાનું પણ વિચારશો. સબંધો બાબતે વધુ સજાગ બનશો.
વૃષભ (બ,વ,ઉ) :
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એક નવા સમયની શરૂઆત કરશે. તમારા અધિકારક્ષેત્રમાં વૃદ્ધિ થશે, તમારી નીચેની ટીમ પાસેથી કામ લઇ શકશો. ભાઈ ભાંડુ મિત્રો અંગે ચિંતા રહે, નવા સાહસ બાબતમાં થોડી રાહ જોવી પડે, વિવાહ આદી કાર્યમાં વિલંબ થતો જોવા મળે.
મિથુન (ક,છ,ઘ) :
સમગ્ર વિશ્વના સંચાલક જયારે ગાદી પર બેસે છે ત્યારે સુખ શાંતિનો સંચાર થાય છે. નોકરિયારત વર્ગને લાભ થાય જો કે સૂર્ય ઉપરી અધિકારી સાથે માથાકૂટ ના કરાવે તે જોવું, બીજે મંગળ વાણી-વર્તનમાં સૌમ્યતા રાખવી પડે. આ સમયમાં ધીમી પ્રગતિ જોવા મળે.
કર્ક (ડ,હ) :
આધ્યાત્મિક ચિંતન થાય, તમારા જ સ્વભાવમાં તમે કેટલીક વિસંગતતા અને વિરોધાભાસ નિહાળી શકશો અને વધુ પડતા લાગણીશીલ બનશો. તમે કેટલીક બાબતોનું દુઃખ ભૂલી નહિ શકો પરંતુ આ સમયમાં પ્રગતિ માટે તમારે ફરજીયાત વ્યવહારુ થઇને આગળ વધવું પડશે.
સિંહ (મ,ટ) :
એ સમયમાં પ્રગતિ હોવા છતાં કેટલાક કડક નિર્ણયો તમારે સ્વભાવ વિરુદ્ધ જઈને કરવા પડશે, તમારી નીચેના લોકો તમને નુકસાન કરવા પ્રયત્ન કરશે. ગુસ્સા પર કાબુ રાખવો તમારી પ્રાથમિકતા રહેશે અને અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારવા. એકંદરે સમય સારો રહે.
કન્યા (પ,ઠ,ણ) :
પ્રભુ શ્રી રામની કૃપાથી સમય તમને અનુકૂળ થતો જણાશે, ફરી હુકમના પણ તમારા હાથમાં આવશે, તમે આ પખવાડિયામાં બાજી સરભર કરી શકશો, મિત્રોની મદદ મળી રહેશે વળી ભાગ્યોદયની તક પ્રાપ્ત થશે, અગાઉ કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો.
તુલા (ર,ત) :
તમારા મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકશો, વ્યવસાયમાં અંતર આવ્યા હોય તો દૂર કરી શકશો, જાહેરજીવનમાં નવા પાઠ શીખવા મળશે પરંતુ વધુ પડતા વિશ્વાસે ચાલવા જેવો સમય નથી. રામરક્ષા સ્તોત્ર કરવાથી વિશેષ લાભ થાય.
વૃશ્ચિક (ન,ય) :
આધ્યત્મિક ચિંતન કરી શકશો, દૈવી સહાય પ્રાપ્ત થાય, ધાર્યા કામ પાર પડી શકો, જીવનમાં સ્થિરતાનો અનુભવ થાય. તબિયત બાબતે વિશેષ કાળજી લેવી પડે, ભૂતકાળ યાદ કરીને દુઃખી થવાનું છોડવું પડશે, સમય શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ):
સુખદ વાતાવરણ રહે પરંતુ કોર્ટ કચેરી કે વીલ વારસાના પ્રશ્નોના કારણે થોડું ટેન્શન રહે, ઘરમાં પણ વાતાવરણ ડહોળાતું જોવા મળે, મન શાંત રાખીને રસ્તા વિચારવા પડે અને મહત્વના નિર્ણય સમજીવિચારી પ્રભુ શ્રી રામનું સ્મરણ કરી કરવા.
મકર (ખ,જ) :
પરિવાર પર પ્રભુ શ્રી રામની કૃપા વરસે, કેટલીક બાબતો તમે પડકાર જેવી લાગશે, છુપા શત્રુઓ હાવી થતા જોવા મળે, આર્થિક બાબતે ધીમી પ્રગતિ રહેશે, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે. જાહેરજીવન અને દામ્પત્યજીવનમાં સારું રહે.
કુંભ (ગ,સ,શ ) :
તમારે માનસિક શાંતિને વધુ મહત્વ આપવું જોઈએ, જે પ્રભુ શ્રી રામની ભક્તિથી આવશે, તમારી પ્રતિભા અને રચનાત્મકતા ખીલતી જણાશે, લોકોને તમારી વાત સારી રીતે વ્યક્ત કરી શકશો. ધ્યાન યોગથી વિશેષ લાભ થતો જોવા મળશે.
મીન (દ,ચ,ઝ,થ):
ભગવાન શ્રી રામની અવિરત કૃપા તમારી પર વરસે, વિદેશ જવા ઇચ્છતા મિત્રોને નવો રાહ મળે, વ્યવસાય બાબતે નવી શરૂઆત કરવા ઇચ્છતા મિત્રોને પણ લાભ થાય. નોકરિયાતવર્ગને નવી જવાબદારી મળી શકે, વ્યાપારી મિત્રોને નવી ખરીદીમાં લાભ થાય.