કુંવરજીભાઇ બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, મુળુભાઇ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર, ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ, પરસોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથ, જ્યારે પ્રફૂલ્લભાઇ પાનસેરિયાને મોરબી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
ગુજરાતમાં નવી સરકાર રચાયાના એક પખવાડીયા બાદ રાજ્યના અલગ-અલગ 33 જિલ્લા માટે પ્રભારી મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. મંત્રી મંડળમાં માત્ર 16 મંત્રીઓને જ સ્થાન આપવામાં આવ્યું હોવાના કારણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને બાદ કરતા તમામ 15 મંત્રીઓને બબ્બે જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઋષિકેશ પટેલને ત્રણ જિલ્લાનો હવાલો સોંપવામાં આવ્યો છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે કમૂરતા ઉતરતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જો આવું થશે તો હાલ મંત્રીઓને જે જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે તેમાં ફેરફાર પણ થઇ શકે છે.
રાજ્ય સરકાર દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહિવટ કરી શકે અને તેના પર ઉચ્ચકક્ષાએ દેખરેખ રાખી શકે તે માટે મંત્રી મંડળના 16 સભ્યોને અલગ-અલગ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સરકારમાં નંબર-2નું સ્થાન ધરાવતા નાણામંત્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇને સુરત અને નવસારી જિલ્લાના, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલને રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતને સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના, આદિજાતી વિકાસ વિભાગ અને શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરને દાહોદ અને પંચમહાલ જિલ્લાના, સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના, સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા (પંચાલ)ને મહેસાણા અને પાટણ જિલ્લાના, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી, પંચાયત મંત્રી બચુભાઇ ખાબડને મહિસાગર (લુણાવાડા) અને અરવલ્લી (મોડાસા) જિલ્લાના, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની વલસાડ અને તાપી જિલ્લાના સંસદીય બાબતોના મંત્રી ભીખુભાઇ પરમારની છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના જ્યારે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ હળપતીને ભરૂચ તથા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.
એક માત્ર ઋષિકેશ પટેલને ત્રણ જિલ્લાનો હવાલો સોંપાયો
નવી સરકાર બન્યાના 15 દિવસ બાદ મંત્રી મંડળના સભ્યોને અલગ-અલગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી મંડળમાં માત્ર 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાના કારણે તમામ મંત્રીઓને બબ્બે જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે. સરકારમાં નંબર-3નું સ્થાન ધરાવતા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલને ત્રણ-ત્રણ જિલ્લાના પ્રભારી ફાળવાયા છે. તેઓને અમદાવાદ જિલ્લા ઉપરાંત ખેડા અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાંથી જે ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. તેઓને સૌરાષ્ટ્રના જ જિલ્લા ફાળવાયા છે.