કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાશે: બાર અને બેંચ વચ્ચે બેઠક યોજાઈ
કોરોના લોકડાઉનના કારણે અદાલતોની પ્રત્યક્ષ કાર્યવાહી ૧૧ માસ બંધ રહ્યા પછી ગુજરાત હાઇકોર્ટની સૂચનાથી તારીખ ૧-૩ -૨૦૨૧ ના રોજથી તમામ કોર્ટ શરૂ થવા જઈ રહી છે તે સંદર્ભે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બફુલભાઈ રાજાણી અને સેક્રેટરી ડો. જિજ્ઞેશ ભાઈ જોષીએ વકીલમિત્રો અને પક્ષકારોએ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે અદાલતી કાર્યવાહીમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.
રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાને અને સેક્રેટરી જીગ્નેશ જોશીએ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાથે રૂબરૂ વાતચીત કરી હતી, જે સંદર્ભે રાજકોટ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે જણાવેલ કે શરૂઆતના તબક્કામાં તમામ કોર્ટો શરૂ કરવામાં આવશે તેમાં કોઈપણ આરોપીઓ વિરુદ્ધ પ્રથમ તારીખમાં હાજર ન રહેવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તમામ વકીલોએ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ-૧૯ની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. દરેક કોર્ટની અંદર દરેક વકીલમિત્રોએ ડ્રેસકોડમાં જ કોર્ટમાં હાજર રહેવું, માસ્ક અને સેનેટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે અને કોર્ટમાં પ્રવેશ એકજ દરવાજેથી મેળવવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ વકીલોએ પક્ષકારો અને આરોપીઓને અદાલતમાં હાજર રાખવા કે નહિ તે બાબતે જજીસ સાથે વાતચીત કરીને જ નિર્ણય લેવો. તેમ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરીએ વકીલમિત્રોને અનુરોધ કર્યો છે.