છેલ્લી ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં: રોહિતે ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી ફટકારી ડોનબ્રેડમેનનો રેકોર્ડ તોડયો
દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત મજબુત સ્થિતિમાં આવી ગયું છે ત્યારે દેશવાસીઓ માટે ભારતીય ટીમ દિવાળી પહેલા આફ્રિકાનો વાઈટ વોસ તરીકે શ્રેણી જીતી લોકોને ભેટ આપશે તે વાત પણ નિશ્ચિત થઈ ગઈ છે. ભારતે તેના પ્રથમ દાવમાં ૪૯૭ રન કરી દાવ ડિકલેર કર્યો હતો જેમાં સર્વાધિક રોહિત શર્માએ ૨૧૨ રન નોંધાવ્યા હતા. તેની સાથે અજીંકય રહાણે ૧૧૫ રન, રવિન્દ્ર જાડેજા ૫૧ રન, રીધીમન શાહ ૨૪ રન અને ઉમેશ યાદવે મહતમ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. જેમાં આફ્રિકા તરફથી જયોર્જ લીંડે ૪ વિકેટ અને રબાડાએ ૩ વિકેટ ઝડપી હતી.
ભારત દ્વારા દાવ ડિકલેર કર્યા બાદ આફ્રિકાએ તેની પ્રથમ ઈનીંગમાં માત્ર ૯ રનમાં બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારત આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝમાં આફ્રિકાનો વાઈટવોસ કરશે. આ તકે અજીંકય રહાણેને પુછવામાં આવતા પ્રશ્નનાં જવામાં જણાવ્યું હતું કે, રોહિત શર્મા સાથે થયેલી ૨૬૭ રનની ભાગીદારી માટે કોમ્યુનિકેશન જ ફાયદારૂપ સાબિત થયું હતું. જયારે બીજી તરફ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી અને ૭૧ વર્ષનાં જુના રેકોર્ડને પણ તોડયો હતો.
સરડોન બ્રેડમેન દ્વારા ૭૧ વર્ષ પહેલા તેની હોમપીચ પર ૯૮.૨૨ની એવરેજથી રમ્યા હતા જયારે રોહિત શર્મા ૯૯.૮૪ની એવરેજથી રમી સૌથી જુનો રેકોર્ડ પણ તોડયો હતો. ગત ૧૦ ઈનીંગ્સમાં રોહિતે ૯૯.૮૪ની એવરેજથી રન બનાવ્યા હતા. સાથોસાથ રોહિત શર્મા દ્વારા દ્વિ-પક્ષીય સીરીઝમાં સૌથી વધુ સિકસ ફટકારવાનો પણ રેકોર્ડ સ્થાપ્યો હતો જેમાં ૨૦૧૮-૧૯માં વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમી રહેલા સીમરોન હેટમાયરે બાંગ્લાદેશ વિરુઘ્ધ ૧૫ સિકસ ફટકારી હતી. રોહિત શર્મા બાદ અજીંકય રહાણેએ સદી ફટકારી ૧૧૫ રનની મહત્વપૂર્ણ ઈનીંગ રમી હતી. એક સમયે ભારતીય ટીમ ૩૯ રન કરી ૩ વિકેટ ગુમાવી હતી. જયારે રોહિત અને રહાણેને સુઝબુઝભરી રમતનાં કારણે ટીમ ૪૯૭ રન સુધી પહોંચી હતી. અજીંકય રહાણેએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિકેટ ઉપર રોહિત શર્મા સાથે થયેલી વાતચીત અને કોમ્યુનિકેશનનાં કારણે ટીમ વિશાળ સ્કોર સુધી પહોંચી શકી હતી. અને વિપક્ષી ટીમ આફ્રિકાને પ્રેશર હેઠળ રાખવા માટેનું પણ સુચન રોહિત દ્વારા કરવામાં આવતા તે દિશામાં ગેમ પ્લાન બનાવાયો હતો. હાલ ભારતની સ્થિતિ મજબુત હોવાથી કયાંકને કયાંક આફ્રિકાને ફોલોઓન કરાવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે આફ્રિકા સામેની ૩ ટેસ્ટ મેચ સીરીઝમાં ભારતીય ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે તેનાથી ટીમમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાંઈક નવું કરવાનો વિચાર હરહંમેશ કરવામાં આવી રહ્યો છે.