- કેપ્ટન બાવુમાં, ડી કોક અને કલાશને બેટીંગમાં અને શમશી, નોરઝે બોલિંગની પ્રેક્ટિસ કરી
- આફ્રિકા શ્રેણી પોતાના નામે કરવા મેદાને ઉતરશે: સાંજે ભારતીય ટીમ શ્રેણી સરભર કરવા કરશે પ્રેક્ટિસ
આવતીકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને આફ્રિકા વચ્ચે શ્રેણીની ચોથી મેચ રમવા જઇ રહી છે. હાલ આફ્રિકા શ્રેણીમાં 2-1થી આગળ છે. ત્યારે આવતી કાલનો મેચ જીતી શ્રેણી પોતાના નામે કરવા માટે આફ્રિકન ટીમે ધોમ તડકામાં નેટમાં પરસેવો પાડયો હતો.
બપોરના સમયે સાઉથ આફ્રિકા ટીમના કેપ્ટન બાવુમા, લેફ્ટ હેન્ડ બેટ્સમેન કવિંટન ડી કોક, રાઇટ હેન્ડ બેટ્સમેન કલાશન સહિતના ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડયો હતો. તો બીજી તરફ આફ્રિકન બોલર એનરિકે નોર્ટ્ઝ, તબ્રેઝ સમશી સહિતના બોલારોએ પણ ગ્રાઉન્ડ પર પરસેવો પાડયો હતો.
આવતી કાલની મેચને લઈ પૂરું સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર દેખાઈ રહ્યો છે. ત્યારે આજરોજ આફ્રિકન ટીમ પ્રેક્ટિસ માટે પહોંચે તે પહેલાં જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈ તૈયારી અને વ્યવસ્થાઓને આખરીઓપ આપ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટાઇટ સિક્યુરિટી સાથે આફ્રિકન ખેલાડીઓને પ્રેક્ટિસ માટે લઈ જવામાં આવ્યા હતા. ફિઝ્યો સહિતના સ્ટાફ દ્વારા પૂરતી તૈયારીઓ સાથે આજ આફ્રિકન ખેલાડીઓ પ્રેક્ટિસમાં ઉતર્યા હતા.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ ટી-20 મેચની શ્રેણીની ચોથી મેચ આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ માટે સાઉથ આફ્રિકાની ટીમએ શ્રેણી જીતવાના બુલંદ ઇરાદા સાથે તનતોડ નેટ પ્રેક્ટિસ કરી હતી. ટીમ સાઉથ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ વિવિધ પ્રકારના શોટ્સ રમ્યા હતા. સાથોસાથ અન્ય ખેલાડીઓએ પણ મેદાન પર પરસેવો પાડ્યો હતો.
કાલની મેચ જીતી 4-1થી સિરીઝ પોતાના નામે કરીશું : એનરીકે નોર્ટ્ઝે
દક્ષિણ આફ્રિકાના બોલર એનરિકે નોર્તઝે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે ભારત સામેની આ સિરીઝ અમારા માટે મહત્વ પૂર્ણ છે.
આગામી વર્લ્ડકપ માટે પણ આ સિરીઝ ખુબ મહત્વ ધરાવે છે. આ માટે અમે આ સિરીઝ જીતવા માટે પૂરો પ્રયત્ન કરીશું. હાલ અમારી ટીમના દરેક ખેલાડી સારા ફોર્મમાં છે. આવતીકાલે સવારે પીચ અને વાતવરણ જોઇને ટીમ મિટિંગમાં ચર્ચાઓ કરી અને ખેલાડીઓના ફોર્મના આધારે ટીમ નક્કી કરવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્ધડીશનમાં ઘણો ફેર છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચ પણ હું રમ્યો હતો ત્યાંની પરિસ્થિતિ અને પીચ અહીંયા કરતાં અલગ છે. ડ્રાય પીચમાં પરફોર્મ કેવી રીતે કરવું તે માટે કોચનું માર્ગદર્શન મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવતીકાની મેચમાં તેઓ હવે 4-1 થી સિરીઝ જીતવા માટે મેદાને ઉતરશે તેવું પણ તેમને આખરી જવાબમાં જણાવ્યું હતું.