ક્રિકેટ ઈઝ અ મેન્ટલ ગેમ આ વાતને ખરા અર્થમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ચાલી રહેલા વિશ્વ કપ 2023 માં ચરિતાર્થ કરી છે આફ્રિકા ની ટીમે 357 રનનો જંગી સ્કોર ખડકી ન્યુઝીલેન્ડને ધૂળ ચાટતું કરી દીધું હતું. જેમાં ડી કોક અને વેન્ડર ડ્યુસનની સદી રંગ લાવી હતી. દક્ષિણ આફ્રિકા-ન્યુઝીલેન્ડ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 357 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના 357 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા હતા. કિવી ટીમને પહેલો ફટકો 8 રનના સ્કોર પર લાગ્યો હતો. ડ્વેન કોનવે માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી.
કિવિઝને 190 રનથી હરાવ્યું, કેશવ મહારાજે લીધી 4 મહત્વપૂર્ણ વિકેટો
ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપે સૌથી વધુ રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપે 50 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઓપનર વિલ યંગે 37 બોલમાં 33 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલે 30 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. કિવી ટીમના 8 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. દક્ષિણ આફ્રિકાના બોલરોએ ઈનિંગની શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને હાથ ખોલવાની તક આપી ન હતી. દક્ષિણ આફ્રિકાના બોલરોએ શાનદાર લાઈન અને લેન્થ પર બોલિંગ કરી. તે જ સમયે, કિવી બેટ્સમેનો સતત પેવેલિયન પરત ફરતા રહ્યા.
વર્લ્ડકપ 2023માં 4થી સદી ફટકારી ક્ધિટોક ડિકોકની જમાવટ
વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકનું બેટ કોઈ રોકાઈ રહ્યું નથી. તેણે ન્યુઝીલેન્ડ સામે પુણેમાં રમાઈ રહેલી મેચમાં પણ સદી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં આ તેની ચોથી સદી છે. આ પહેલા ડી કોકે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે પણ સદીની ઇનિંગ્સ રમી હતી. આ સાથે તે વર્લ્ડ કપ 2023માં 500 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે. ડાબોડી બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 103 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ તેની વનડે કારકિર્દીની 21મી સદી છે. આ તેની વર્લ્ડ કપ કારકિર્દીની ચોથી સદી છે. તે 2015 અને 2019માં એક પણ સદી ફટકારી શક્યો નથી. તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના દક્ષિણ આફ્રિકાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. અનુભવી બેટ્સમેન એબી ડી વિલિયર્સની પણ વર્લ્ડ કપમાં 4 સદી છે. ડી કોક 116 બોલમાં 114 રનની ઇનિંગ રમીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો.
દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે
આ સાથે જ આ જીત બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકાના 7 મેચમાં 12 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાની ટીમે 6 મેચ જીતી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમના 6 મેચમાં 12 પોઈન્ટ છે. ભારતીય ટીમે તેની તમામ મેચ જીતી છે. આ રીતે ભારત અને દક્ષિણ આફ્રિકાના 12-12 પોઈન્ટ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ ટોપ પર છે.