Table of Contents

૨૨૦૦ ચો.મી.ના આફ્રિકા પેવેલિયનમાં ભારતીય રોકાણકારોને આફ્રિકન દેશોમાં રહેલી રોકાણ માટેની તકોથી માહિતગાર કરાશે: ૪૦ જેટલા આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ ઈવેન્ટમાં આપશે હાજરી

ગુજરાત સ્પ્રિન્ટમાં વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં રહેલી રોકાણની જાણકારી અપાશે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતની ૨૦૨૨ની વિકાસયાત્રાનું આગવું વિઝન રજુ કરશે: કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર પણ યોજાશે

સમિટના પ્રથમ દિવસે રૂ.૭,૫૬,૩૨૮ કરોડના ૧૦૫ એમઓયુ: રાજકોટ મહાનગરપાલિકા આજે

રૂ.૪૮૮૨.૫૭ કરોડના ૧૩૧ એમઓયુ કરશે: રાસ્પિન નામની કંપની રાજકોટમાં ૧૨ બોરની પિસ્તોલ બનાવશે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯માં આજે આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં ભારતીય રોકાણકારોને આફ્રિકન કન્ટ્રીમાં રહેલી રોકાણની તકો વિશે માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત આજરોજ ગુજરાત સ્પ્રિન્ટ નામનો સેમિનાર યોજાવાનો છે જેમાં વિશ્વભરના રોકાણકારોને ગુજરાત રાજયમાં રહેલી પ્રવર્તમાન તેમજ ભાવિ રોકાણની તકો વિશે જાણકારી આપવામાં આવનાર છે. વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે રૂ.૭,૫૬,૩૨૮ કરોડના ૧૦૫ એમઓયુ થયા હતા સાથે રાજકોટ મહાનગરપાલિકાએ રૂ.૪૮૮૨.૫૭ કરોડના ૧૩૧ એમઓયુ કર્યા હતા. આ ઉપરાંત રાસ્પિન નામની કં૫નીએ રાજકોટમાં ૧૨ બોરની પિસ્તોલનું ઉત્પાદન કરવાના પણ એમઓયુ સાઈન કર્યા હતા.

ગાંધીનગર ખાતે આયોજીત વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯ને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લુ મુકયું હતું. વાઈબ્રન્ટના પ્રથમ દિવસે જ એમઓયુની ભરમાર થવા પામી હતી. પ્રથમ દિવસે માત્ર ૪ કલાકની અંદર ૭,૫૬,૩૨૮ કરોડના ૧૦૫ એમઓયુ કરવામાં આવ્યા છે. આ સાથે રાજકોટ મહાનગરપાલિકાએ રૂ.૪૮૮૨.૫૭ કરોડના ૧૩૧ એમઓયુ સાઈન કર્યા હતા. ગઈકાલે યોજાનાર ડીફેન્સ સેકટરના સેમિનારમાં રાજકોટના ૧૨ બોર, ૦.૭ એમ.એમ.ની પિસ્તોલનું ઉત્પાદન કરવા માટે રાસ્પિન નામની કંપનીએ એમઓયુ કર્યા હતા. ગઈકાલના કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી પાંચ ઉધોગપતિએ રૂ.૬.૮૮ લાખ કરોડના મુડી રોકાણની જાહેરાતો કરવામાં આવી હતી. જયારે વન ટુ વન બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં રૂ.૧૦,૬૫૦ કરોડના એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯માં આજે બીજા દિવસે આફ્રિકા ડે, ગ્લોબલ કન્વેલેવ ઓફ ઈન્ટરનેશનલ ચેમ્બર્સ, ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ફોરમ, ગુજરાત સ્પ્રિન્ટુ-૨૦૨૨, વીવીઆઈપી લંચ, એમએસએમઈ કન્વેન્શન, પારસ્પરીક વેપાર અંગે સેમિનાર, સેટિંગ એ ન્યુ પેરાડીંગ ફોર ફાર્મા મેડિકલ, મોબીલીટી લીડ અર્બન ડેવલોપમેન્ટ તેમજ કન્ટ્રી સ્ટેટ સેમિનાર, બી ટુ બી અને બી ટુ જી બેઠકો યોજાશે.

ભારતીય રોકાણકારો માટે આફ્રિકન કન્ટ્રીમાં રોકાણ માટે વિશેષ તકો રહેલી છે. આ તકોની વિશેષ જાણકારી આપવા માટે આફ્રિકા ડે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આફ્રિકન પ્રતિનિધિ મંડળ માટે ઝાયડ્સ હોસ્પિટલ, યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડિઓલોજી, અમુલ ડેરીનો પ્રોસેસીંગ પ્લાન્ટ, આઈઆઈટી-ગાંધીનગર, ગિફટ સિટીની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આફ્રિકન અને ભારતીય કંપનીઓ તેમના પરસ્પર રસનાં ક્ષેત્રોના વિવિધ ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરી શકે એ માટે ૨૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં એક વિશેષ આફ્રિકા પેવેલિયન ઉભું કરવામાં આવશે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે ૫૪ આફ્રિકન દેશો પૈકીના ૪૦ દેશોએ સહમતી આપી છે અને બીજા વધુ કેટલાક દેશો પણ જોડાય તેવી સંભાવના છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ આ ઈવેન્ટમાં જોડાઈ રહી છે.

આ સાથે સમિટમાં આજે યોજાનાર ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨માં ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજીક આંતર માળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમીટમાં ગુજરાતની ભાવિ ઔધોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મુકવામાં આવશે. ગુજરાતમાં રાજકીય સ્થિરતા, શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારીની તકો અને મજબુત કનેકટીવીટી સહિતનો સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના પરીણામે ગુજરાત શાંતીપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે પણ દર્શાવવામાં આવનાર છે. આ ઈવેન્ટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતની ૨૦૨૨ અને તેથી આગળની ભાવી વિકાસ યાત્રાનું આગવું વિઝન રજુ કરશે. વિશ્વભરના ઉધોગકારો અને રોકાણકારોને ગુજરાત રાજયમાં રહેલી રોકાણની પ્રવર્તમાન અને ભાવી તકો વિશે આ સેમીનારમાં માહિતી પુરી પાડવામાં આવશે.

આ ઉપરાંત સમિટમાં આજે કન્ટ્રી સેમીનાર યોજાશે જેમાં ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ હશે. સમિટમાં યોજાનારા કન્ટ્રી સેમિનારોમાં જર્મની, કેનેડા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે તેઓ તેમના સામર્થ્ય અને રસના ક્ષેત્રો રજુ કરશે. આ સમિટમાં વિવિધ દેશોના સેમિનારમાં ભારતીય પ્રતિનિધિઓને વિદેશી સહયોગીઓ સાથે સંવાદ કરવા માટેની શ્રેષ્ઠ તક સાંપડશે, સાથે સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ થશે. ઉપરાંત ઔધોગિક વિકાસ, વેપાર અને ટેકનોલોજીની આપ-લેની ઉતમ તકો રજુ કરાશે. જાપાનીઝ, જર્મન, અમેરિકન સહિત અન્ય પુરોપિયન કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે મેન્યુફેકચરિંગ ટેકનોલોજી ક્ષેત્રમાં સાથે મળીને કાર્ય કરવામાં વિશેષ રસ દાખવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ આઠ રાજયો પોતાના રાજયોમાં રોકાણની નવીન તકો પ્રસ્થાપિત કરવાના હેતુથી સહભાગી થશે. જેમાં આંધપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, પંજાબ, ઓડિશા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજયોમાં આવનાર સમયમાં રોકાણની ઉજજવળ તકોની સંભાવના દર્શાવતા વિશેષ સેમિનાર યોજાશે.

અંબાણીનું નવુ નિશાન ઓનલાઇન ટ્રેડીંગ!!!

વાઈબ્રન્ટ સમીટના પહેલા જ દિવસે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ અબજો રૂપીયાના રોકાણો કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં રિલાયન્સના જીયોએ ખુબજ સફળતા મેળવ્યા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ઓનલાઈન શોપીંગ સેકટરમાં એન્ટ્રી કરશે અને એમેઝોન, વોલમાર્ટ જેવી વિદેશી કંપનીઓને પણ પોતાના અંડરમાં આવરી લે તેવી શકયતાઓ છે.

જીયો ટેલીકોમ સર્વિસમાં ભવ્ય પ્લેટફોર્મ ધરાવે છે, ગુજરાતમાં નવુ ઈ-કોમર્સ પ્લેટફોર્મ શરુ કરવા માટે તે ૧૨ લાખ નાના રિટેલરો અને દુકાનદારોને પ્રોત્સાહન આપશે. ખુબજ ઝડપથી વિકસતા નેટવર્ક જીયોને હાલ ૨૮૦ મીલીયન સબસ્ક્રાઈર્બ્સ છે. ગત મહિને સરકારે ડિસ્કાઉન્ટ અને લાલચ આપતી ઈ-કોમર્સ કંપનીઓ ઉપર નજર રાખવાની જાહેરાત કરી હતી. જેને લઈ જીયો હવે અપની દુકાન, ઘર કી દુકાન સમાન ઈ-કોમર્સ કંપની ભારતમાં લાવશે.

અમેરિકાના વેપારી સંગઠનો ગુજરાત સાથે વેપાર કરવા તત્પર!!!

ગુજરાતના સૌથી મોટા વેપાર કુંભ વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનો પ્રારંભ થઈ ચૂકયો છે તેથી રાજયમાં વિકાસનો રથ દોડતો થાય માટે વિશ્વભરના ઉદ્યોગપતિઓ ગુજરાતના આંગણે આવ્યા છે. જેમાં અમેરિકાના વેપારી સંગઠનોએ પણ ગુજરાત સાથે વેપાર કરવાની તત્પરતા દર્શાવી છે.

યુએસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસીડેન્ટ નિષા બિસ્વાલે વાઈબ્રન્ટમાં કહ્યું કે, વધુમાં વધુ અમેરિકી રાજયો ભારતના ટેકસ ટાઈલ્સ, એનર્જી, મેન્યુફેકચરીંગ અને ગુજરાતના કેટલાક ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરવા માટે તૈયાર છે. વેપાર માટે ગુજરાતમાં પરંપરાગત વાતાવરણ છે. અમેરિકીઓને અમદાવાદના મેન્યુફેકચરીંગ અને ટેકસ ટાઈલ્સ ક્ષેત્રે વધુ રોકાણની તકો દેખાઈ રહી છે. આ ઉપરાંત અમેરિકન માર્કેટ ભારતના ઈન્ફાસ્ટ્રકચર, રિન્યુએબલ એનર્જી અને જીવ વિજ્ઞાનમાં પણ રોકાણ કરવા ઈચ્છે છે. બન્ને દેશો વચ્ચે પરસ્પર સારા સંબંધો રહે તો ફાયદો થઈ શકે છે.

માતા હિરાબાના આશિર્વાદ લેતા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ આજે સવારે તેઓ ગાંધીનગરમાં માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેઓએ અડધી કલાકથી પણ વધુ સમય માતા હિરાબા સાથે ગાળ્યો હતો જોકે ગઈકાલથી જ વડાપ્રધાનના ભાઈ પંકજ મોદીના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હોવાથી વડાપ્રધાન માતા હિરાબાની મુલાકાતે આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે તેઓ ગાંધીનગરના રાયસણમાં વૃંદાવન બંગ્લોઝ ખાતે રહેતા તેઓના માતા હિરાબાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. હિરાબા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી સાથે રહે છે. વડાપ્રધાને અડધો કલાકથી પણ વધુ સમય હિરાબા સાથે ગાળીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાનની આ ઓચિંતી મુલાકાતથી સમગ્ર વિસ્તારના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગઈકાલથી ગોઠવી દેવાયો હતો.

વાઇબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે ફોરેન ડેલીગેટ્સ સાથે બેઠક યોજી જરૂર્રી ચર્ચા વિચારણા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

7 251 522 393 344 315 286 28

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.