અમારા માટે ઇદની પરફેકટ ગિફટ છે: અફઘાન ક્રિકેટ બોર્ડે ખુશી વ્યકત કરી
અફઘાનિસ્તાન અને આયરલેન્ડની ક્રિકેટ ટીમને ટેસ્ટનો દરજજો મળ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) એ આ બન્ને દેશોની ક્રિકેટ ટીમને ટેસ્ટનો દરજજો આપ્યાની ઘોષણા કરી હતી.
આયરલેન્ડ અને અફઘાનને આ દરજજો મળતા હવે ટેસ્ટ મેચ રમતી ટીમોની સંખ્યા ૧૦ થી વધીને ૧ર થઇ ગઇ છે. આઇસીસી દ્વારા સોશિયલ મીડીયા ટિવટ્ટર પર યુરોપીય દેશ આયરલેન્ડ અને એશિયન દેશ અફઘાનની ક્રિકેટ ટીમને ટેસ્ટનો દરજજો અપાયાની જાહેરાત કરવામાં આવી હતી. સામા પક્ષે અફઘાન ક્રિકેટ બોર્ડે પણ ટિવટ્ટર મેસેજ કરીને આઇ.સી.સી.નો આભાર માનતા લખ્યું હતું કે અમારું ટેસ્ટ મેચ રમવાનું સપનું હતું જે હવે પુરું થયું છે. અમને ટેસ્ટ દરજજો આપવામાં ભૂમિકા ભજવનારા તમામ આઇ.સી.સી. મેમ્બરોનો આભાર હવે આયરલેન્ડ અને અફઘાનની પુરુષોની ક્રિકેટ ટીમ પાંચ દિવસીય ટેસ્ટ મેચ રમવાને અધિકારી બની ગઇ છે. અફઘાન ક્રિકેટ બોર્ડના વડા શફિક સ્ટેનિકઝઇએ જણાવ્યું હતું કે અફઘાન જેવા દેશ માટે ટેસ્ટ કેપ મેળવવી એ ખુબ જ મોટું એચિવમેન્ટ છે. આ અમારા માટે પરફેકટ ઇદી (ઇદની ગિફટ) છે. સમસ્ત અફઘાનના રાજયો પોત પોતાની રીતે આની ઉજવણી કરી રહ્યા છે.
ક્રિકેટ આયરલેન્ડના ચીફ એકિઝકયુટીવ વોરેન ડયુટ્રોમે જણાવ્યું હતું કે અમને ટેસ્ટનો દરજજો મળતા અમે ગર્વિત મહેસુસ કરીએ છીએ આ અમારા ક્રિકેટ ખેલાડીઓ કોચ તથા સ્ટાફનું સન્માન છે. આનાથી આયરલેન્ડના નાગરીકોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે ભારત, પાક. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ટેસ્ટ રમે છે હવે તેમાં અફઘાન અને આયરલેન્ડનો ઉમેરો થયો છે.