લેગ સ્પીનર ઘાફરીએ ૧૫ રન આપી ૬ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો
આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ૩૦મી ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને અફઘાનિસ્તાનને ૧૩૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકા ટોસ જીતી જયારે બેટીંગમાં ઉતર્યું ત્યારે અફઘાનિસ્તાન તરફથી રમી રહેલા સફીકુલ્લા ઘાફરીએ ૧૫ રન આપી ૬ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો અને આફ્રિકાને ઘુંટણીયે પાડયું હતું. સાઉથ આફ્રિકા ટીમ તરફથી બ્રાઈઝ પારસન્સે ૪૦, લ્યુક બ્યુફોર્ટએ ૨૫, ગેરાડ કોઈટજીએ ૩૮ રન નોંધાવ્યા હતા જયારે લક્ષ્યાંકની પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે ૨૫ ઓવરમાં જ મેચ જીતી લીધો હતો જેમાં ઈબ્રાહીમ જાદરેને ૫૨ અને ઈમરાને ૫૭ રન નોંધાવ્યા હતા.
અફઘાનિસ્તાનમાં જે રીતે ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમાં એક સમયે રસિદ ખાનનું નામ ખુબ જ ચર્ચામાં રહેતું હતું જે ઉચ્ચ સ્તરીય રમત રમી ક્રિકેટ જગતમાં પોતાની આગવી છાપ ઉભી કરી હતી તેવી જ રીતે હવે અફઘાનિસ્તાનનાં લેગ સ્પીનર સફીકુલ્લા ઘાફરીએ પણ પોતાની આગવી રમત રમીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તો સાઉથ આફ્રિકા ચોકર્સ સાબિત થયું છે ત્યારે હવે ડોમેસ્ટીક ક્રિકેટમાં પણ આફ્રિકાની ટીમ ચોકર્સ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અફઘાનિસ્તાનનાં બોલરોએ તરખાટ મચાવી દક્ષિણ આફ્રિકાની ટીમને ઘુંટણીયે પાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે અફઘાનિસ્તાનના ટેણીયાઓએ દક્ષિણ આફ્રિકાને જાણે ધુળ ચાટતુ કર્યું હોય.