ત્રણેય પાડોશી રાષ્ટ્રોના લઘુમતિ નાગરિકોને સરળતાથી ભારતનું નાગરિકત્વ મળી રહે તે માટે કલેકટરોને ખાસ સત્તા અપાઈ
વસુધેવ કુટુમ્બકમ… કેન્દ્ર સરકાર દ્વારા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિ મુળ ભારતીય હિન્દુઓની નાગરિકતા આપવાની શરૂ કરેલી કવાયતથી મુસ્લિમ લીગના પેટમાં ચૂક ઉપડી હોય તેમ સરકારના જાહેરનામા સામે હવનમાં હાડકા જેવી સુપ્રીમમાં દાદ માગી છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ એપેક્ષ કોર્ટમાં કેન્દ્ર સરકારના અફઘાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુળ ભારતીયોને નાગરિકતા આપવાના ખરડાને એપેક્ષ કોર્ટમાં પડકાર્યો છે.
મુસ્લિમ લીગની એવી દલીલ છે કે, ધર્મ આધારિત નાગરિકતા આપવી તે યોગ્ય નથી. જો કે, ત્રણેય પડોશી રાજ્યોના લઘુમતિ નાગરિકોને ભારતે આશરે ધર્મ અને વસુધેવ કુટુમ્બકમની ભાવના અને માનવ ધર્મને ઉજાગર કરતા વલણ સાથે ત્રણેય દેશના લોકોને નાગરિકતા આપવાની પ્રક્રિયા સરળ બનાવવા જિલ્લા કલેકટરને નાગરિકતા આપવા સુધીની સવલત ઉભી કરી છે.
ભારતની અખંડીતતા, સર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે પડકારરૂપ પરિબળોને એક-એક કરીને હટાવવાના લાંબાગાળાના આયોજનના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી સિટીઝન એમેડમેન્ટ એક્ટ અને ત્રણેય પાડોશી દેશોના લઘુમતિઓને ભારતમાં નાગરિકત્વ આપવાની રાષ્ટ્રહિતની પ્રક્રિયા મક્કમપણે આગળ વધી રહી છે ત્યારે રાષ્ટ્ર વિરોધી પરિબળો આ પ્રક્રિયામાં હવનમાં હાડકા નાખવા ઉભા થાય તે સ્વાભાવિક છે.
કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે આ પ્રક્રિયાને વેગ આપી દીધો છે ત્યારે મુસ્લિમ લીગ દ્વારા સરકારના આ નિર્ણયને કાનૂની રીતે પડકારવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 28મી મે 2021ના રોજ પાક., અફઘાન અને બાંગ્લાદેશના લઘુમતિઓને નાગરિકત્વ આપવા માટે ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ, વડોદરા, રાજસ્થાનના જાલોર, ઉદયપુર, પાલી, બારમેડ, શિરોહી, હરિયાણાના ફરિદાબાદ અને પંજાબના જલંધર જિલ્લા કલેકટરોને પાડોશી ત્રણેય દેશોના લઘુમતિઓને નાગરિકત્વ આપવાની સ્વાયતતા આપવામાં આવી છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિઓ નાગરિકતા માટે અરજી કરે તો તેને સરળતાથી નાગરિકતા મળી રહે તે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
છ વર્ષમાં 56 દેશોના 19034 નાગરિકોને ભારતની નાગરિકતાનો સ્વીકાર કર્યો છે. જેમાં સૌથી વધુ પાકિસ્તાન 2838, બાંગ્લાદેશના 15013ના નાગરિકોએ હિન્દુસ્તાનનું નાગરિકત્વ લીધું હતું. જેમાં 6 વર્ષમાં 149 બાંગ્લાદેશીઓએ જ ભારતની નાગરિકતા લીધી હોવાનું ગૃહ મંત્રાલયે પુછેલા જવાબમાં વિદેશ વિભાગે કહ્યું હતું. આ ઉપરાંત ચીનના ત્રણ નાગરિકોને પણ ભારતની નાગરિકતા મેળવી હતી. અમેરિકા, બ્રિટન સાથે સિંગાપુર અને શ્રીલંકાના નાગરિકોએ પણ ભારતની નાગરિકતા સ્વીકારી છે. ભારતના વસુધેવ કુટુમ્બકમની ભાવનાને લઈને મુળ ભારતીયોને નાગરિકતા આપવામાં આવી રહી છે. પરંતુ અફઘાન, પાક. અને બાંગ્લાદેશના લઘુમતિઓને સવિશેષ રૂપમાં દેશમાં સમાવવામાં આવી રહ્યાં છે.