ખેડ, ખેતર ને પાણી, લાવે સમૃદ્ધી તાણી… કૃષિ પ્રધાન રાષ્ટ્રની વસ્તીના 80 ટકાથી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેમાંથી મોટાભાગના ખેતી સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવા છતાં દેશની ખેતી સંપૂર્ણપણે મોસમ આધારિત હોવાથી દાયકામાં 2 થી 3 વાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના વિષમ સંજોગોના કારણે મોલાતો ફેલ જતી હોવાથી આવકની અનિશ્ર્ચિતતાને લઈને ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપી શકાતો નથી. પુષ્કળ ખેતીલાયક જમીન, સાનુકુળ વાતાવરણ, ખેતીનો સદીઓ જુદો અનુભવ અને પુરતુ માનવ શ્રમ હોવા છતાં ભારતની ખેતી અને ખેડૂત ક્યાંકને ક્યાંક પછાતપણુ ભોગવે છે. આપણાથી વસ્તી અને વિસ્તારમાં ખુબજ ઓછા ઈઝરાયલમાં માંડ 2 થી 3 ઈંચ વરસાદ થાય છે પરંતુ ટેકનોલોજીના ઉપયોગથી સૌથી વધુ ખેત પેદાશ, શાકભાજી, ફળફળાદીની નિકાસ કરે છે.
ભારતમાં ખેડૂતોની આવક બમણી કરવાના તૈયાર થયેલા રોડમેપથી ખેતીને વધુ સમૃધ્ધ બનાવવા પ્રયાસો ચાલી રહ્યાં છે ત્યારે સરકારે કપરાકાળમાં ખેત જણસની એમએસપી લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરી ખેડૂતોની આવક બમણી કરવાનો રસ્તો પુરો કરી દીધો છે. કપાસ, બાજરી, મગફળી, અડદ, મગ, તુવેર, સોયાબીન, મકાઈ, જુવાર, ડાંગર, તલ, રાગી અને સૂર્યમુખીના બીજની કિંમતમાં સરકારે વધારો કર્યો છે.
જગતના તાતના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા સમયસર લેવાયેલા નિર્ણયથી ખરીફ પાકની ઉપજ લેનાર ખેડૂતોને ભારે મોટો આર્થિક આધાર મળ્યો છે. ખેડૂતોની ખેત પેદાશને પાણીના ભાવે પડાવી લેવાના રેકેટના દિવસો હવે દૂર થયા છે. સરકાર દ્વારા નવા કૃષિ બીલમાં ખેત પેદાશો વેચવાની સ્વાયતતાથી લઈને લઘુતમ ટેકાના ભાવના આધાર ખેડૂતો પોતાની જણસ ગમે ત્યાં વેંચી શકે તેવી વ્યવસ્થા કરીને ખેડૂતોને સદ્ધર બનાવવાના સરકારના પ્રયાસો ખેતી અને ખેડૂતને આર્થિક રીતે સમૃધ્ધ બનાવી દેશે.
સામાન્ય રીતે ખેડૂતોના ખળામાં માલ તૈયાર થાય એટલે લેવાલ કોઈ ન હોય, માલનો ભરાવો થાય એટલે બજાર પાડી દેવામાં આવતી, વળી ખેત પેદાશોની માવજતની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને 30 ટકાથી વધુ જણસી વેપાર સુધી પહોંચે તે પહેલા જ નાશ પામતી હતી. વિકસીત રાષ્ટ્રોમાં નાશવંત જણસની ટકાવારી માંડ 1 થી 2 ટકા હોય છે. સરકાર દ્વારા ખેડૂતોને ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઈન અને ફૂડ પ્રોસેસીંગ યુનિટ ઉભા કરી ખેડૂતો પોતાનો માલ અન્ય વસ્તુઓ બનાવીને વેંચી શકે તેવી વ્યવસ્થા પર ભાર મુકવામાં આવ્યો છે.
સરકારે ખેડૂતોની આવક બમણો વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જો સુનિયોજીત રીતે ફૂડ પ્રોસેસીંગ યુનિટ અને નાશવંત જણસની ટકાવારી કાબુમાં લેવામાં આવે તો ખેડૂતોની આવક બે ગણી નહીં સેંકડો ગણી વધી શકે છે. સરકારે ખરીફ પાકના ટેકાના ભાવ પર વધારો કરી ખેડૂતોની આવક બમણી કરવાનો રસ્તો ખુલ્લો કર્યો છે. ખેડૂત સધ્ધર થશે તો ખેતી અને ખેતીના માધ્યમથી દેશનું અર્થતંત્ર સદ્ધર બનશે તેમાં બે મત નથી. ખેડૂતોની સદ્ધરતાનો આધાર ખેતીના પાકના પોષણક્ષમ ભાવો જ બની શકે.