રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડમાંથી સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ અન્વયે રૂ. 6 હજાર કરોડ મળશે

નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) સંપન્ન

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતી

ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પનાના ડિજિટલ ભારત અન્વયે સાંકળી લઈ એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસિસ પૂરી પાડવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અપનાવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે આ હેતુસર સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ ફેઝ-૩ અંતર્ગત ભારત નેટ નેટવર્ક વધુ સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે એક મહત્વપૂર્ણ MOC એટલે કે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન કર્યા છે.

નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા તથા સાયન્સ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધાર આ MOC સાઇનિંગના અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ગુજરાતના ડિજિટલ કનેક્ટિવિટી લેન્ડસ્કેપમાં સમાન કવરેજ માટે રાજ્ય સરકારની આગવી પહેલરૂપ ભારત નેટ ફેઝ-1 અને ફેઝ-૨ તથા જિલ્લા વચ્ચેના ડિજિટલ ડીવાઇડને દૂર કરી અંતરિયાળ ગામોમાં પણ 98 ટકાથી વધુનો સર્વિસ અપટાઈમ હાંસલ કરવામાં આ MOC ઉપયુક્ત બનશે.

આ માટે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે દસ વર્ષના ગાળા માટે વન ટાઈમ કેપેક્સ અને આ સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ અન્વયે 6000 કરોડ રૂપિયા માટેનો DPR કેન્દ્ર સરકારને પ્રસ્તુત કર્યો છે.

આ વિસ્તૃત DPRમાં સિગ્નલની શક્તિ વધારવા માટે ફાઇબર ટુ ફાર ફ્લંગ ટાવર ફાઇબરાઇઝેશન, કનેક્ટેડ અને ગ્રાસ રુટ લેવલ ગવર્નન્સ માટે ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ, ફાઇબર ટુ ફેમિલી જેવી સંપત્તિના વ્યાપક ઉપયોગ અને રાજ્યની આગેવાનીના નેટવર્ક ડિઝાઇન અને બહુ-પરિમાણીય અભિગમનો સમાવેશ થાય છે.

ગ્રામીણ આર્થિક સંભવિતતાઓને અનલૉક કરવા માટે ફાઇબર ટુ ફાઇનાન્સિયલ એન્ટરપ્રાઇઝીસ અને કનેક્ટેડ વિશ્વ સાથે નવી રોજગારીની તકોના સર્જનનો પણ આમા સમાવેશ થયેલો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2009 માં “ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ” શરૂ કરાવીને ગ્રામ્ય સ્તરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી ડિજિટલ યુગનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમના નેતૃત્વમાં ગુજરાતે 2001 થી 2024 સુધી 23 વર્ષમાં જે વિકાસ ક્રાંતિ કરી છે તેની સફળતાની ઉજવણી રાજ્યભરમાં વિકાસ સપ્તાહ તા. 7 થી 15 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી.

આ વિકાસ સપ્તાહ ઉજવણીના પૂર્ણાહુતિ દિવસે 15 ઓક્ટોબરે ગુજરાત અને ભારત સરકાર વચ્ચે થયેલા આ MOC વડાપ્રધાનશ્રીના ડિજિટલ ભારત દ્વારા છેવાડાના વિસ્તારો સુધી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભિગમને સાકાર કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલા “ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ”ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વધુ ગતિશીલતાથી આગળ ધપાવ્યો છે.

ભારત નેટ પર ઈ-ગવર્નન્સ સેવાઓને વ્યાપક રીતે આગળ વધારવામાં આવી છે. એટલું જ નહીં, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને ઘર આંગણે સરકારની વિવિધ સેવાઓ મળતી થઈ છે તેનો લાભ 1.6 કરોડ લોકોને આપ્યો છે.

રાજ્યમાં 14 હજારથી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર ૩૨૦થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે. હવે ભારત નેટ ફેઝ-૩ સાથે બાકીના ઇ-ગ્રામ કેન્દ્રોને 98 ટકાથી વધુ અપટાઈમ નેટવર્કની સુનિશ્ચિતતા સાથે હાઇબ્રીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી થશે.

રાજ્યમાં હાલના તબક્કે 7400 શાળાઓ, 600 જેટલા આરોગ્ય કેન્દ્રો, 300 થી વધુ પોલીસ ચોકીઓ, G.I.D.C., ટુરિસ્ટ પ્લેસીસ, પ્રદર્શન કેન્દ્રો વગેરેને ભારત નેટ ફેઝ-૨ નેટવર્ક પર આવરી લઈને ૫૦ સ્થળોને જોડવામાં આવ્યા છે.

આ ઉપરાંત દૂરના વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ સુધારવા માટે ૧૬૦થી વધુ ટેલિકોમ ટાવર ડાર્ક ફાઇબર લીઝીંગ સાથે ફાઈબરાઈઝ્ડ પણ છે.

સુધારેલ ભારત નેટ પ્રોગ્રામનો રાજ્યમાં અમલ થતાં ગુજરાતે ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિના અપનાવેલા મોડેલની વિશેષતાઓ વધુ ઉજાગર થશે અને આ સેવાઓ સાતત્યતાપૂર્વક આગળ વધશે.

આના પરિણામે ગુડ ગવર્નન્સ, ડિજિટલ સર્વિસ અને રાજ્ય સરકારની સંકલિત કાર્ય યોજનાઓનો વિશાળ હિતમાં લાભ અંતરિયાળ વિસ્તારો સુધી ટેલ્કોગ્રેડ નેટવર્કના નિર્માણથી પહોંચતો થશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.