ગ્રામજનો-મૃતકના પરીવારજનોની ડોકટર સાથે ઉગ્ર ચર્ચા: હોબાળો મચતા હોસ્પિટલમાં ટોળેટોળા ઉમટયા
જસદણની સરકારી હોસ્પિટલમાં એક ખેડુતના પી.એમ અંગે ગ્રામજનો અને મૃતકના પરીવારજનોએ હોબાળો મચાવતા અફડાતફડી સર્જાઈ હતી. આ અંગેની વિગત એવી છે કે જસદણ તાલુકાના દહીંસરા ગામના ૭૫ વર્ષીય ખેડુત દેવશીભાઈ ભીખાભાઈ સાકરીયા બે દિવસ પહેલા પોતાની વાડીમાં રોઝનો ત્રાસ હોય અને રોઝનું ટોળુ આવતા રોઝને ભગાડવા દોડતા નજીકના એક કુંભારના ખેતરમાં કુવામાં પગ લપસી પડયો હતો. સાંજનો બનાવ હતો પોતાના પરીવાર અને વાડીના માલિકને પણ ખબર નહોતી કે દેવશીબાપા વાડીએથી ઘરે આવ્યા નથી. આથી પરીવારજનોએ શોધખોળ શરૂ કરી પણ બે દિવસ ભાળ મળી નહોતી અચાનક સોમવારે બપોરે એક લાશ કુવાના પાણીમાં તરે છે એવી જાણ મૃતકના પૌત્રને કોઈએ કરતા તેમણે આ અંગે ભાડલા પોલીસ મથકમાં જાણ કરી હતી. ત્યારબાદ લાશને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના ડોકટરોએ આ લાશ કોહવાયેલી છે તેથી રાજકોટ ફોરેન્સીક લેબોરેટરીમાં આ પીએમ થઈ શકે તેવું કહેતા મૃતકના પરિવારજનોએ ડોકટરો સાથે એવી ઉગ્ર ચર્ચા કરી કે લાશનું પી.એમ અહીં જસદણ જ કરાવવું છે જયારે ડોકટરોએ એવી દલીલ કરી કે લાશનું પીએમ જસદણ થઈ ન શકે.
આ અંગે મોડી સાંજ સુધી હોસ્પિટલમાં ઉગ્ર વાતાવરણ રહ્યું હતું. દહીંસરા ગામના સરપંચ કડવાભાઈ દાનાભાઈ સોસાએ જણાવ્યું કે જો ઘટનાના જવાબદાર ડોકટરો છે અને રાજકોટ લાશની પીએમ માટે મોકલાશે તો આ લાશ અમારે જોતી નથી. આ ઘટનામાં બંને પક્ષે સમાધાન થાય તે હેતુથી દુર્ગેશભાઈ કુબાવત, જીજ્ઞેશભાઈ હિરપરા, ભરતભાઈ છાયાણી ભાજપના આ આગેવાનો દોડી આવ્યા હતા અને તેમણે બંને પક્ષે સમજાવટ થાય તેવી ચર્ચાઓ શરૂ કરી છે.