કારમાં બેઠેલી બે મહિલા સહિત ત્રણેય સમયસર ઉતરી જતા બચાવ
ખંભાળિયામાં ફાટક પાસે ઉભેલી મોટરમાં એકાએક આગ ભભૂકતા દોડધામ મચી ગઇ હતી. મોટરમાં બેઠેલ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ સમયસર ઉતરી જતા બચાવ થયો હતો.
ખંભાળિયા નજીકના રેલવે ફાટક પર ટ્રેઈન પસાર થતી હતી બરાબર ત્યારે જ ત્યાં કતારમાં ઉભેલી એક મોટરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જો કે, કારમાંથી રાજકોટના એક વ્યક્તિ અને બે મહિલા સમયસૂચકતા વાપરીને ઊતરી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો જયારે મોટર સળગી ગઈ હતી. સીએનજીવાળી આ મોટરમાં આગ ભભૂકતા નાસભાગ મચી ગઈ હતી.
ખંભાળિયાથી જામનગર તરફ જવાના રોડ પર આવેલા ખંભાળિયાના રેલવે ફાટક પર ગઈકાલે સાંજે ટ્રેન પસાર થતી હતી ત્યારે બંધ ફાટક નજીક કતારમાં ઉભેલી જીજે-૩-સીઆર-૪૯૦૯ નંબરની હુન્ડાઈ કંપનીની આઈ-૨૦ મોટરમાંથી અચાનક જ ધુમાડા નીકળવા લાગતા આજુબાજુમાં ઉભેલા અન્ય વાહનોના ચાલકો પોતાના વાહનોમાંથી ઉતરી ગયા હતા અને તે મોટરમાંથી પણ કેટલાંક વ્યક્તિઓ ઉતરીને દૂર ચાલ્યા ગયા હતાં.
ત્યારપછી તેે મોટરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે બંધ ફાટક પર દોડધામ મચી ગઈ હતી.
કોઈએ ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર ફાઈટરો ધસી ગયા હતાં. ફાયરના જવાનોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી તેમ છતાં આખી મોટર સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. તે મોટરમાં રાજકોટના મહેશભાઈ નાનજીભાઈ ભાડજા અને તેમના પરિવારના બે મહિલા રાજકોટથી ખંભાળિયા આવ્યા હતાં. આ મોટરમાં સીએનજીનો બાટલો ફીટ કરવામાં આવ્યો હતો તેમાં અકસ્માતે આગ ભભૂકી હતી અને મોટર ખાખ થઈ ગઈ હતી. જયારે મોટરમાં રહેલા વ્યક્તિઓનો બચાવ થયો હતો.