ચુંટણી પંચ, સેન્સર બોર્ડ અને કેન્દ્રને ભાજપના રાજપુત અગ્રણીઓની રજુઆત રાણી પદ્માવતિને અલ્લાઉદ્દીન ખીલજી સાથે સાંકળવાનો પ્રયાસ વખોડયા
સંજય લીલા ભણસાલીની વિવાદમાં સપડાયેલી ફિલ્મ પદ્મમાવતિનો સામાજીક વિરોધ જોઇ ભારતીય જનતા પક્ષ હરકતમાં આવી ગયો છે. આ ફિલ્મની રીલીઝ મુલત્વી રાખવા ચુંટણી પંચ, સેન્સર બોર્ડ અને લેન્ડ સરકારને ભાજપના રાજપૂત અગ્રણીઓ દ્વારા રજુઆત કરાઇ છે.
જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીની બહુચર્ચીત ફિલ્મ પદ્માવતી સામે રાજસ્થાન પછી હવે ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મળી લગભગ ૧૮ જિલ્લાઓમાંથી રાજપૂત સમાજની લાગણીને ધ્યાને લઇ ભાજપના રાજપૂત અગ્રણીઓએ મુખ્ય ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર તેમજ સેન્સર બોર્ડને આ ફિલ્મને રિલીઝ થતી રોકવા તેમજ સેન્સર બોર્ડ ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરતી બાબતો પર પુન: વિચાર કરે તેવી માગણી કરી છે. ભાજપે આવી રીતે ફિલ્મના માધ્યમથી રાજપૂત સમાજની લાગણી દુભાવવાના પ્રયાસને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને માગણી કરી છે કે ફિલ્મોમાં જ્યારે ઇતિહાસ, સાંસ્કૃતિ ધરોહરને સાંકળવામાં આવી હોય ત્યારે તેની વાસ્તવિક ઇતિહાસ સાથે ચકાસણી કરવી જોઇએ, એ પછી જ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપવી જોઇએ.
ભાજપના ઉપપ્રમુખ આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, પદ્માવતી ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી રીતે ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યો હોવાનું કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના લગભગ ૧૮ જિલ્લાઓમાંથી રજૂઆતો મળી હતી. આ સંદર્ભે પ્રદેશ અગ્રણીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, ભરતસિંહ પરમાર, બળવંતસિંહ રાજપૂત તેમજ તેમણે પોતે આ સંદર્ભે ફિલ્મ અંગેની વિગતો જાણીને તેને રિલીઝ કરતાં પહેલા સેન્સર બોર્ડ ઇતિહાસ અને તેના તથ્યોને ચકાસે એવી લાગણી અને માગણી રજૂ કરાઈ છે.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, રાણી પદ્માવતીને અલ્લાઉદ્દીન ખીલજી સાથે સાંકળવાનો પ્રયાસ થયો છે જે તદ્દન વખોડવા લાયક છે. ઇતિહાસમાં આવી કોઇ બાબત નથી એને તોડી મરોડીને રજૂ કરવા માટે સંજય લીલા ભણસાલી જાણીતા છે. તેમણે કહ્યું કે, ભણસાલીએ અગાઉ પણ પોતાના કમર્શિયલ સ્વાર્થને સાધવા માટે વિવિધ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે એવા સમયે રાજપૂત સમાજની લાગણીને રાજકીય રંગ આપી વાતાવરણને ડહોળવાનો પ્રયાસ ન થાય એ માટે અમે તત્કાળ ચૂંટણી પંચ આ દિશામાં દરમિયાનગીરી કરી ફિલ્મને રિલીઝ થતી રોકે એવી લાગણી વ્યક્ત કરી છે, તેમ જાડેજાએ ઉમેર્યું હતું. આજે ભાજપ ઇલેક્શન લીગલ સેલના ક્ધવીનર પરિન્દુ ભગતે વિસ્તૃત પત્ર લખીને મુખ્ય ચૂંટણી પંચને તત્કાળ કાર્યવાહી કરવા માગણી કરી છે.