ઉછીના પૈસા આપવાની ના કહેતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ: વકીલની અટકાયત

શહેરના લીંબડા ચોક વિસ્તારમાં આવેલી એવરેસ્ટ બિલ્ડીંગ એડવોકેટે પોતાના જ મિત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ઘવાયેલા ચાંદીના વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે એડવોકેટની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મનહર પ્લોટ શેરી નંબર ૮માં રહેતા અને લીંબડા ચોકમાં પેસિફીક ફોર્ચ્યુનમાં ચાંદીના વ્યવસાયની ઓફિસ ધરાવતા પંકજભાઇ હસમુખભાઇ શેઠ પર એવરેસ્ટ બિલ્ડીંગમાં ૪૦૪ નંબરની ઓફિસધરાવતા એડવોકેટ પ્રદિપ રેણુકાએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાના આક્ષેપ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.પંકજભાઇ શેઠ અને એડવોકેટ પ્રદિપ રેણુંકાને લીંબડા ચોકમાં બાજુમાં ઓફિસ હોવાથી બંને વચ્ચે સારા સંબંધો હતા. પ્રદિપ રેણુંકાએ થોડા સમય પૂર્વે ઘણો નફો થયો છે તેમ કહી ઉછીના પૈસા માગ્યા હતા ત્યારે પંકજ શેઠે ઉછીના પૈસા આપવાની ના કહેતા બંને વચ્ચે સંબંધો બગડયા હતા અને બંને વચ્ચે બોલવાનો સંબંધ પણ ન હતો. દરમિયાન ગતરાતે પંકજભાઇ શેઠની ઓફિસ પાસે પ્રદિપ રેણુંકા આવ્યા હતા અને પોતાની પાસે વાહન ન હોવાથી એવરેસ્ટ બિલ્ડીંગ સુધી મુકી જવાનું કહીને પોતાની સાથે લઇ ગયા હતા.

પંકજભાઇ શેઠ તેને એવરેસ્ટ બિલ્ડીંગ પાસે પ્રદિપ રેણુંકાને બાઇકમાંથી ઉતાર્યા ત્યારે ઓફિસમાં આવવાનું કહેતા તેની ઓફિસમાં આવવાનું કહેતા તેની સાથે ઓફિસ નંબર ૪૦૪માં ગયા હતા ત્યારે ફરી પ્રદિપ રેણુંકાએ ઉછીના પૈસા આપવાની વાત કરી ત્યારે પંકજભાઇ શેઠે ઉછીના પૈસા ન આપુ તો તું શુ કહે તેમ કહેતા ઉશ્કેરાયેલા પ્રદિપ રેણુંકાએ પોતાની પાસે રહેલા રિવોલ્વર જેવા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા પંકજભાઇ શેઠના પેટ અને હાથમાં ગોળી લાગી હતી. એડવોકેટ પ્રદિપ રેણુંકાએ અચાનક ફાયરિંગ કરતા પંકજભાઇ શેઠ ગભરાયા હતા અને તેના ઓફિસબોય જાવિદે વચ્ચે પડી ઘવાયેલા પંકજભાઇ શેઠને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એ ડિવિઝન પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એલ.એલ.ચાવડા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, સંજયસિંહ અને ઉમેશભાઇ ગઢવી સહિતનો સ્ટાફ એવરેસ્ટ બિલ્ડીગ દોડી ગયા હતા તે દરમિયાન ઘવાયેલા પંકજભાઇ શેઠ હોસ્પિટલમાંથી રજા લઇ ખાનગી હોસ્પિટલમાં જતા રહેતા તેની ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ હાથધરી છે. અને એડવોકેટ પ્રદિપ રેણુંકાની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.