66 કેવી કે તેનાથી વધુ વોલ્ટેજવાળી લાઈન અન્ડરગ્રાન્ડ કરવાનો એક કિમિનો ખર્ચ રૂ. 12 કરોડ જેટલો થતો હોય ડાયવર્ટર મુકી લાઈનને સુરક્ષિત બનાવવા ભલામણ
33 કેવી કે તેથી ઓછા વોલ્ટેજવાળી લાઈન અન્ડરગ્રાઉન્ડ બનાવવાની માંગ, કોર્ટે કામ પૂર્ણ કરવા એક વર્ષનો સમય આપ્યો
લુપ્તપ્રાય ધોરાડ પક્ષીને બચાવવા માટે ઓવરહેડ ઈલેક્ટ્રીકલ કેબલ નાખવાના તેમના 19 એપ્રિલના આદેશમાં ગુજરાત અને રાજસ્થાન સરકારોએ સુધારો કરવા માંગણી કરતી અરજી સોમવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો ઉલ્લેખ કર્યા બાદ સીજેઆઈ એન.વી. રમના અને જસ્ટિસ સૂર્યકાન્ત અને હેમા કોહલીની બેન્ચે અરજી ઉપર સુનાવણી હાથ ધરી હતી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ આદેશ ભારતમાં પાવર સેક્ટર અને અશ્મિભૂત ઇંધણથી દૂર ઊર્જા સંક્રમણ માટે વ્યાપક પ્રતિકૂળ અસરો ધરાવે છે. આ અરજીમાં, અદાલતને વિનંતી કરી છે કે ઉચ્ચ વોલ્ટેજ અને વધારાની ઉચ્ચ વોલ્ટેજ લાઈનો, એટલે કે 66 kV અને તેથી વધુની પાવર લાઈનો અન્ડર ગ્રાઉન્ડ કરવી શક્ય નથી. તેના માટે 12 કરોડ પ્રતિ કિલોમીટર જેટલો ખર્ચ થાય તેમ હોય એટલે તેના બદલે ઉચ્ચ વોલ્ટેજ વાળી લાઈનમાં બર્ડ ડાયવર્ટર્સના વપરાશને મંજૂરી આપવામાં આવે.
હાઇ વોલ્ટેજ પાવર લાઇનને અન્ડર ગ્રાઉન્ડ મૂકવી તકનીકી રીતે શક્ય નથી. આટલા મોટા વિસ્તાર પર ભૂગર્ભ મધ્યમ-નીચા વોલ્ટેજ લાઇનને પરિણામે તે વિસ્તારમાંથી ઉત્પાદિત નવીનીકરણીય ઉર્જાની ઊંચી કિંમત આવશે. આટલા વિશાળ વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ બનાવવાનો વૈશ્વિક સ્તરે ક્યાંય પ્રયાસ કરવામાં આવ્યો નથી એવો દાવો પણ કરવામાં આવ્યો છે.
પિટિશનમાં તમામ પાવર ટ્રાન્સમિશન લાઇનને મધ્યમ વોલ્ટેજ સુધી એટલે કે 33 kV વોલ્ટેજ લેવલ સુધી ભૂગર્ભમાં રાખવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે. ભવિષ્યમાં યોગ્ય બર્ડ ડાયવર્ટર્સની સ્થાપના સાથે અગ્રતા વિસ્તારની બહાર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન નાખવાની મંજૂરી આપો, એવી કોર્ટ સમક્ષ સરકારે વિનંતી કરી. સર્વોચ્ચ અદાલતે 19 એપ્રિલે બંને રાજ્યોને એક વર્ષના સમયગાળામાં ઓવરહેડ પાવર કેબલને શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ પાવર લાઇનમાં કન્વર્ટ કરવા જણાવ્યું હતું.
તત્કાલીન ચીફ જસ્ટિસ એસએ બોબડેની આગેવાની હેઠળની બેંચે હાઈ-વોલ્ટેજ અંડરગ્રાઉન્ડ પાવર લાઈનો નાખવાની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના પણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઓવરહેડ કેબલને ભૂગર્ભ પાવરલાઇનમાં રૂપાંતરિત કરવાનું શક્ય હોય તેવા તમામ કેસોમાં તે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.