ટેલિવિઝન પર પ્રસારીત થતા માસ અને ઈંડાના પ્રચાર પ્રસારને રોક લગાવવા  કેન્દ્રને  આજીજી

ભારતના તમામ લોકો ટીવી પર વિવિધ સિરિયલ જોઈને મનોરંજન મેળવતા હોય છે. પરંતુ ટેલિવિઝન પર ઈંડા અને માંસના વેચાણના વિજ્ઞાપનથી અહિંસક સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતી હોય છે. માંસના જાહેર વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ટેલિવિઝન પર માંસ અને ઈંડાનો પ્રચાર પ્રસાર વિજ્ઞાપન દ્વારા થાય છે. આ ઉપરાંત હાલમાં જ ઈંડાના વેચાણના વિજ્ઞાપનમાં કપિલ દેવ, રાહુલ દ્રવિડ, રવિ શાશ્ત્રી, સચિન તેંડુલકર જેવી ક્રિકેટની હસ્તીઓ જોવા મળી રહી છે , બાળકો અને યુવાનો તેમને આદર્શ માનતા હોય છે, તેમને ઈંડાના વિજ્ઞાપનમાં જોઈને તેઓ ગેરમાર્ગે દોરાવવાની શક્યતાઓ રહેલી છે.

જે અંગે જીવદયાપ્રેમી મિતલ ખેતાણી દ્વારા ટેલિવિઝન પર માંસાહાર અને ઈંડાના પ્રસાર પ્રચાર પર પ્રતિબંધ લગાડવા ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. દેશના લોકતંત્રમાં કોઇની પણ ધાર્મિક લાગણીઓ ન દુભાય તે જોવું જોઈએ. દરેક માનવીનો આ સામાજિક હક્ક છે. શાકાહારી પરિવારના જમવાના સમયે જ્યારે આ વિજ્ઞાપન પ્રસારિત થાય છે ત્યારે બાળકો પર તેની વિપરીત અસર થાય છે અને તેમને માંસાહાર અને ઈંડા આરોગવાની દુ:ષ્પ્રેરણા થઈ શકે છે.એવું પણ બની શકે કે, શાકાહારી પરિવારના બાળકો માંસાહાર, ઈંડા તરફ પ્રેરાય. કોઈ પણ પ્રાણીનું ભક્ષણ જીવદયા પરિવાર સામે થાય તે જોવું પીડાદાયક હોય છે. ઉલ્લેખનીય છે કે ,અગાઉનાં સૂચના અને પ્રસારણ મંત્રી  અંબિકા સોની દ્વારા પણ ઈંડાના વિજ્ઞાપન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.