શહેરનાં નંદનવન સોસાયટી મેઈનરોડ ઉપર નજીવી બાબતે થયેલી મારામારી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાના ગુનાનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે બે શખ્સોને બે વર્ષની સજા બાદ પ્રોબેશનનો લાભ આપતો હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ શહેરનાં ગાંધીગ્રામ શેરી નં.૫માં રહેતા અક્ષયભાઈ બાબુભાઈ પરમાર નામના યુવાન પોતાના મિત્રની પુત્રીને રણુજા મંદિર નજીક જૂની વેલનાથ સોસાયટીમાં રહેતો ભાવેશ ઉર્ફે ભોલો રમેશ મકવાણાને જોઈ ગયાની જાણ યુવતીના પિતાને કર્યાનો ખાર રાખી ભાવેશ ઉર્ફે ભોલો મકવાણાએ તેનો મિત્ર દિવ્યેશ ઉર્ફે ભોલીયો કાંતીભાઈ સહિત ચાર શખ્સોએ અક્ષય પરમાર નંદનવન સોસાયટી મેઈન રોડ પર નિકળતા છરી વડે હુમલો કરી જ્ઞાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ હુમલાખોરોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તપાસનીશે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે ૧૪ સાક્ષી અને ૩૨ દસ્તાવેજી પૂરાવાના અંતે સેશન્સ જજ એચ.એમ.પવારે આરોપી ભાવેશ ઉર્ફે ભોલો મકવાણા અને દિવ્યેશ ઉર્ફે ભોલીયાને બે વર્ષની સજાનો હુકમ કર્યો પરંતુ બંને શખ્સોને પ્રોબેશનનો લાભ આપતા બંને શખ્સોને રૂ.૨૦ હજારના જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. એચ.એમ. માથુર ઉપસ્થિત રહ્યા હતા.