સવારે ધોયેલા કપડા સાંજે ઉપયોગમાં લઈ શકાય
કોરોનાગ્રસ્ત દર્દીઓના કપડા ધોવા માટે છે અલગ વ્યવસ્થા
જી જી હોસ્પિટલમાં આવેલા અદ્યતન લોન્ડ્રીમાં રોજના ૧ હજાર જેટલા મેડિકલ, સર્જીકલ, કોરોનાગ્રસ્ત દર્દીઓ, બાળકો સહિતના કપડા ધોવામાં આવે છે. સવારે ધોયેલા કપડા સાંજે ઉપયોગમાં લેવાય તેવી વ્યવસ્થા છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ઉત્તમ સારવાર માટે પ્રખ્યાત છે જ. આ ઉપરાંત અહીં દર્દીઓ- ડોકટરોના યુનિફોર્મ, ઓછાળ, ટુવાલ, ઓશીકાના કવર સહિતના કપડા ધોવા માટે એક આધુનિક લોન્ડ્રી પણ આવેલી છે. આમ હોસ્પિટલની અંદર જ દર્દીઓના કપડા ધોવા માટેની ખાસ જોગવાઇ છે.
એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ડો. ધર્મેશ વસાવડા કહે છે કે, જામનગરના કલેકટર રવિશંકરના હસ્તે જ આ લોન્ડ્રી વિભાગનું ઉદઘાટન ગત તા.૨૬ નવેમ્બર, ૨૦૨૦ના કરવામાં આવ્યુ હતું. જી.જી.હોસ્પિટલમાં રૂ. ૬૦ લાખના ખર્ચે લોન્ડ્રીના ૩ સેટ છે. જેમાં ૩ વોશિંગ મશીનના સેટ અને ૩ ડ્રાયરના સેટ છે. આ સેટ ટાટા કેમિકલ કંપની દ્વારા હોસ્પિટલને અર્પણ કરાયા હતા. જેમાં દરરોજના એક હજાર જેટલા કપડા ૧૦ કર્મચારીઓ દ્વારા ધોવામાં આવી રહયા છે. વોશીંગ મશીન એટલા આધુનિક છે કે સવારે ધોવાઇ જાયને સાંજે તે જ ધોયેલા કપડાનો ફરી ઉપયોગ થઇ શકે. કોવિડ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી કોરોનાગ્રસ્તોના કપડા જુદી રીતે ધોવાની વ્યવસ્થા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના કપડા ધોવા માટે એક સેટ વોશીંગ મશીનનો અને એક ડ્રાયરનો ઉપયોગ કરવાની અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ ડો.વસાવડા વધુમાં ઉમેરે છે.
લોન્ડ્રીના સુપરવાઈઝર મોહનિયા શામાબેન કહે છે કે, લોન્ડ્રીમાં મેડિકલ, સર્જીકલ, કોરોનાગ્રસ્ત દર્દીઓ, બાળકો સહિતના કપડા ધોવા માટે આવે છે. તે તમામની અલગ નોંધ રાખી કેટેગરીવાઇઝ ધોવામાં આવે છે. હોસ્પિટલના જ વોશીંગ મશીન ડ્રાયરની આધુનિક સુવિધા હોવાથી કેમ્પસની અંદર જ કપડા ધોવાની સગવડ ઉપલબ્ધ છે. કપડા બહાર ધોવા માટે આપવા પડતા નથી. મશીન અદ્યતન ટેકનોલોજીવાળા હોવાથી ઝડપથી કપડા ધોવાઇ જાય છે.