જમીન માલિકના વારસદાર સાથે મળી કૌભાંડ આચરી કોર્ટમાં દાવો કર્યાની ફરિયાદ નોંધાઇ’તી
કૂવાડવા ગામની કરોડો રૂપીયાની કિંમતી જમીનમાં ખોટો વેંચાણ કરાર ઉભો કરી અદાલતમાં જમીનની માલીકીનો દાવો કરનાર હિંમતભાઈ મનુભાઈ ઉદાણી વિરૂધ્ધ રાજકોટના કૂવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફોજદારી તથા ચીટીંગના ગુન્હામાં રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ તાલુકાના કૂવાડવા ગામના રેવન્યુ સર્વે નં. 545 પૈકીની 4એકર, 7ગુંઠા જમીન જાદવજીભાઈ ભુટાભાઈ ઢોલરીયા અને મણીબેન ભુટાભાઈ ઢોલરીયા પાસેથી સને-1999 માં કરાર કરી ખરીદી લીધેલ હોવાનુ જણાવી કરારના વિશિષ્ટ પાલન માટે અને જમીનમાં સને-1999 બાદ કરવામાં આવેલ અલગ અલગ દસ્તાવેજો રદ કરવા રાજકોટની દિવાની અદાલતમાં દાવો આરોપી હિંમતભાઈ મનુભાઈ ઉદાણીએ દાખલ કર્યો હતો. દાવા સાથે રજૂ કરેલ વેંચાણ કરાર બનાવટી અને ઉભો કરેલ હોવાનું જણાવી હરેશ કોટકે પોલીસમાં અરજી કરી વેંચાણ કરારમાં મણીબેન ભુટાભાઈનું અંગુઠાનું નિશાન ખોટું હોવાના એફ.એસ.એલ. રીપોર્ટ રજૂ કરતા પોલીસ દ્વારા હિંમતભાઈ મનુભાઈ ઉદાણી તથા તેને દિવાની દાવામાં સહયોગ આપનાર મણીબેન ઢોલરીયાના પુત્ર અને વારસદાર લલીતભાઈ જાદવજીભાઈ ઢોલરીયા વિરૂધ્ધ કૂવાડવા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ થતાં આરોપી હિંમત મનુભાઈ ઉદાણીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં ધરપકડથી રક્ષણ મેળવવા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.જે આગોતરા જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલત દ્વારા આરોપીને ગુજરાત રાજયની હદ ન છોડવા અને પોલીસ તપાસમાં સહકાર આપવા સહિતની શરતોને આધીન આગોતરા જામીન મંજર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી હિંમત ઉદાણી વતી જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધરાંગીયા, કૃણાલ વિંધાણી અને ઈશાન ભટ્ટ રોકાયા છે.