વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ કોઇપણ હદ સુધી જવામાં અચકાતા નથી. શહેરમાંથી ખરીદ કરવામાં આવતી તમામ ખાદ્ય સામગ્રી ભેળસેળયુક્ત હોય તેવો અહેસાસ થવા માંડ્યો છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા લૂઝ રાજભોગ શ્રીખંડમાં કેન્સરની બિમારી નોતરતા ફૂડ કલર અને બ્રિલીયન્ટ બ્લૂ એફસીએફની હાજરી મળી આવતા નમૂનો પરિક્ષણમાં નાપાસ જાહેર થયો છે.
ફૂડ શાખા દ્વારા શહેરના મોરબી રોડ પર ફાટકની બાજુમાં બારદાન ગલીમાં સિતારામ સોસાયટીમાં આવેલી મહેશભાઇ શિવલાલભાઇ મોલીયાની માલિકીની પેઢી જે.જે. સ્વીટ્સ એન્ડ ડેરીફાર્મમાંથી લૂઝ રાજભોગ શ્રીખંડનો નમૂનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન તેમાં સિન્થેટીક ફૂડ કલર ટાર્ટા ઝીન અને બ્રિલીયન્ટ બ્લૂ એફસીએફની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે.
ગાંધીગ્રામમાં વિશાલ ચાઇનીઝ-પંજાબીમાં 12 કિલો અખાદ્ય ખોરાકનો નાશ: 6 સ્થળોએથી મોતીચુરના લાડુ અને મોદકના નમૂના લેવાયા
આજે ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે મિલન કોમ્પ્લેક્સમાં આવેલા વિશાલ ચાઇનીઝ અને પંજાબીમાં ચેકીંગ દરમિયાન ચાર કિલો વાસી મન્ચુરીયન, ચાર કિલો ગ્રેવી, બે કિલો સંભારો અને બે કિલો બાંધેલો લોટ સહિત કુલ ચાર કિલો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. જેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી છે. જુલેલાલ મંદિર વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાબા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, જેલી ફરસાણ, ભવાની જનરલ સ્ટોર્સ, દાવત કોલ્ડ્રીંક્સ, રાજ દુગ્ધાલયને નોટિસ ફટકારવામાં આવી હતી. સંતકબીર રોડ પર ગજાનંદ જોધપુર સ્વીટ્સ એન્ડ ફરસાણમાંથી મોતીચુરના લાડુ, કોઠારિયા ચોકડી પાસે સાક્ષી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુરના લાડુ, મવડી પ્લોટ-4માં શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુરના લાડુ, રામાપીર ચોકડી પાસે જય બાલાજી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુરના લાડુ, બજરંગ વાડી પાસે વસુંધરા સોસાયટીમાં ભોગીરામ મિઠાઇવાલામાંથી મોતીચુરના લાડુ, સુભાષનગર મેઇન રોડ પર ખેતેશ્ર્વર સ્વીટ્સમાંથી મોતીચુરના લાડુ જ્યારે બજરંગ વાડી ચોકમાં શ્રી અમૃત ડેરી એન્ડ આઇસ્ક્રીમમાંથી મોદકનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.