બહેન સાથે સંબંધ રાખનાર રિક્ષા ચાલકને ઢોર માર મારતા સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો : ૧૦ વર્ષના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ
રાજકોટમાં રીક્ષા ચલાવતા ૫૦ વર્ષના પ્રૌઢનો ૪૦ વર્ષની મહિલા સાથેના આડા સબંધનો કરુણ અંજામ આવ્યો છે.શિવનગર-૧૧માં રહેતા પ્રૌઢને પ્રેમ સબંધ મુદ્દે નહેરુનગરની મહિલાના બન્ને બંધુએ લાકડા-પાઇપ વડે મૂઢ મારમાર્યો હતો. ઘવાયેલા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. માલવિયા નગર પોલીસે બન્ને હત્યારા બંધુને સકંજામાં લઈ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ શિવનગરમાં રહેતા રીક્ષા ચલાવતા રાજેશભાઇ બચુભાઇ ચોેહાણ (ઉ.વ.૫૦)ને ગત તા ૨૧ ના રોજ માયાણીનગરમાં રહેતા કાજલબેન પરમારનો ફોન આવેલો હતો. “પ્રેમ સબંધ મુદ્દે માતાને બન્ને મામા મારતા હોઈ ,તમે છોડવવા આવો “કહી કાજલે ફોન કાપી નાખ્યો હતો. જેથી પ્રૌઢ તાકીદે નહેરુનગર ૩ માં રહેતી સુધાબેન જગદીશ પરમારના ઘરે દોડી જઈ તેને બન્ને બંધુના વધુ મારથી છોડાવી હતી, બહેન સાથે પ્રેમ સબંધ રાખવા મુંદેનો ખાર રાખી પ્રૌઢને રજનીશ ધીરુ સોઢા ,રાહુલ ઉર્ફ લાલા ધીરુ સોઢાએ લાકડી અને લોખંડના પાઇપથી બેફામ મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, મારામારીના બનાવ અંગે જાણ થતા પ્રૌઢના જમાઈ વિજય કેશુ પરમાર અને પુત્રી તેજલે અને પત્ની જોશનબેને ઘટના સ્થળે દોડી જઈ ઘટના સ્થળે ઘવાયેલા પડેલા પ્રૌઢને સારવાર અર્થે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. પ્રૌઢને સાથળના ભાગે ફેક્ચર થતા રાજેશભાઇ બચુભાઇ ચોેહાણની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે આરોપી રજનીશ સોઢા, રાહુલ સોઢા સામે મારામારી, જાહેર નામાં ભંગનો ગુનો નોંધ્યો હતો. પરંતુ પ્રૌઢનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. માલવિયા નગર પોલીસે હત્યાના બનાવ અંગે રજનીશ ધીરુ સોઢા ,રાહુલ ધીરુ સોઢાને સંકજામાં લઈ વધુ તપાસ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે જેના કારણે હત્યા થઈ હતી તે સુધાબેનને સંતાનમાં એક પુત્રી છે.જે પુખ્ત વયની છે.જ્યારે હત્યાનો ભોગ બનનાર રાજેશભાઇને સંતાનમાં એક પુત્ર-ત્રણ પુત્રી છે. રાજેશભાઇના પગમાં ફેક્ચર હતું, આમ છતાં મૃત્યુનું કારણ જાણવા માટે પી.એમ રિપોર્ટ કરવામાં આવશે.