પુત્રીની ઉમરની તરૂણની દાદાની ઉંમરનાં આધેડની બળાત્કારના ગુનામાં ધરપકડ: કામાંધનો આવ્યો કોરોના પોઝિટિવ
પાટણવાવની સગીરાને પત્રકાર બનાવી દેવાની લાલચ આપી દાદાની ઉંમરનાં આધેડે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આધેડની ધરપકડ કરી છે. આરોપીનો ટેસ્ટ કરવામા આવતા કોરોના પોઝેટીવ નોંધાયો છે.
પાટણવાવ પીએસઆઈ યશપાલસિંહ રાણાએ બનાવ અંગે જણાવેલ કે દુષ્કર્મનો ભોગ બનનાર ૧૭ વર્ષિય સગીરાના વાલીએ પાટણવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર પુત્રીને પાટણવાવ ખાતે રહેતા અમૃતલાલ ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવા ઉ.૫૮ એ સગીરાને લલચાવી ફોસલાવી પત્રકારમાં રખાવી દેવાની લાલચ આપી તેમજ ભોગ બનનાર સગીરા પર થોડા સમય પૂર્વે દુષ્કર્મ થયેલ તેની સરકારી સહાય પચાવી જવાના ઈરાદે સગીરાને ફોસલાવી તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી અમૃત રાણવા ભગાડી ગયો હતો જે મામલે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પાટણવાવ પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને શોધવા કવાયત હાથ ધરવામાં આવી અને આરોપી અને ભોગ બનનાર સગીરા જેતપૂર તરફ હોવાની માહિતી મળતા પોલીસ સ્ટાફ સાથે જેતપૂર બસ સ્ટેશનમાં તપાસ કરતા બંને નાસી જવાની તૈયારીમાં હોય એ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. અટકાયત બાદ સગીરા અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાયું હતુ.
જેમાં આરોપીને કોરોના પોઝીટીવ આવ્યો હતો અને આરોપી અગાઉ કોઈ અખબારમાં કામ કરતો હતો હાલ તેની વિરૂધ્ધ પોકસો અને જાનથી મારવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામા આવી છે.