રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ લેવા ઓનલાઈન પ્રક્રિયા આજથી 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. રાજકોટ જિલ્લામાં કુલ 5200 શીટ ઉપર આજથી શરૂ થયેલી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ ધો.1માં બાળકોને પ્રવેશ અપાશે. જિલ્લા કક્ષાએ તા.6 થી 10 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ કે રિઝેકટ કરવાની કામગીરી કરવામાં આવશે અને 15મી જુલાઈ સુધીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરી દેવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવાયું હતું.
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગયા વર્ષે 12800 જેટલા બાળકોની અરજી આવી હતી. જેમાંથી આશરે 4800થી વધુ બાળકોને જુદી જુદી ખાનગી શાળાઓમાં ધો.1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે પણ શહેરમાં 5200 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આરટીઈ અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
જેમાં અનાથ બાળક, સંરક્ષણની જરૂરીયાત, બાળ મજૂર કે સ્થળાંતરીત મજૂરના બાળકો, મંદબુદ્ધિ ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહિદ થયેલા લશ્કરી કે પોલીસદળના બાળકો સહિતના જુદી જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે માહિતી વેબસાઈટ પર જોવામાં આવશે અને આજથી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે.