આપણી સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન આદરણિય, ધર્મ કોઇપણ હોય પરંતુ પુરૂષવાદી વિચારધારા યોગ્ય નથી: વડી અદાલત
સુપ્રીમ કોર્ટે સતત ત્રીજા દિવસે વધુ એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન આદરણીય છે. આપણે ત્યાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. ચીફ જસ્ટિસએ ચુકાદો આપતા કહ્યું કે, ધર્મ કોઈપણ હોય પરંતુ પુરુષવાદી વિચારધારા તેના માટે યોગ્ય નથી. આ ચુકાદો ૪-૧ના બહુમતથી આવ્યો છે. જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ અલગ ચુકાદો આપ્યો છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં જસ્ટિસ આર.એફ. નરીમન, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચુડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની પાંચ જજોની બેંચે આ ચુકાદો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેસ પર પ્રતિબંધ છે જેને લઈને અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના અંગે સુનાવણી કરતા સર્વોચ્ચ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ પહેલા સુનાવણી દરમિયાન કોર્ટના સલાહકાર રાજૂ રામચંદ્રને કહ્યું કે, મંદિરમાં મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ એ જ રીતે છે જે રીતે દેશમાં દલિતો સાથે છૂતઅછૂતના મામલા ઘણીવાર સામે આવે છે. કોર્ટ સલાહકારે કહ્યું કે, છૂતઅછૂત મામલે જે અધિકાર છે તેમાં અપવિત્રતાનો અધિકાર પણ સામેલ છે. જો મહિલાઓનો પ્રવેશ એ આધારે રોકવામાં આવે છે કે તેઓ માસિક ધર્મના સમયે અપવિત્ર હોય છે તો તે પણ દલિત સાથે કરવામાં આવતા છૂતઅછૂત જેવો અપરાધ છે. ઉલ્લેખનીય છે કે સંવિધાન અનુસાર, ધર્મ, જાતિ, સમાજ અને લિંગના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકાય. કેરળ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને યોગ્ય જણાવ્યો હતો. હાઈકોર્ટની દલીલ હતી કે, મંદિરમાં પ્રવેશ પહેલા ૪૧ દિવસના બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે અને માસિક ધર્મને કારણે મહિલાઓ તેનું પાલન નથી કરી શકતી.
સુનાવણી દરમિયાન કેરળ ત્રાવણકોર દેવાસમ બોર્ડ તરફી હાજર થયેલા સીનિયર વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યુ હતું કે, દુનિયાભરમાં અયપ્પાના હજારો મંદિર છે અને ત્યાં કોઈ પ્રતિબંધ નથી, પરંતુ સબરીમાલામાં બ્રહ્મચારી દેવ છે અને તેના માટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ કોઈની સાથે ભેદભાવ નથી અને જેન્ડર ડિસ્ક્રીમિનિશેનનો પણ કેસ નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રોહિંટન નીરમને પુછ્યુ હતું કે, આનો તાર્કિક આધાર શું છે? તમારા તર્કનું ત્યારે શું થશે જ્યારે કોઈ છોકરીને ૯ વર્ષની ઉંમરથી જ માસિક ધર્મ શરુ થઈ જાય? આ દરમિયાન સિંધવીએ કહ્યું કે આ પરંપરા છે અને પરંપરા અંતર્ગત એક ઉંમરનો માપદંડ નક્કી કરવામાં આવ્યો છે.