- હાલ મામલો હાઈકોર્ટમાં વિચારણા હેઠળ અંતિમ ચુકાદો 16 એપ્રિલે આવવાની અપેક્ષા
ગુજરાતભરની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ અભ્યાસક્રમો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ અંગે અનિશ્ચિતતા રહેલી છે. ગયા વર્ષથી, ગુજરાત યુનિવર્સિટી અને અન્ય રાજ્ય યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કાયદા કોલેજોમાં પ્રવેશ અંગે વિવાદ ચાલી રહ્યો છે. જે વિવાદનો ભોગ વિદ્યાર્થીઓને બને છે. કારણ કે વિવાદને પગલે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું નથી. ત્યારે આ મામલો હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં વિચારણા હેઠળ છે, જેનો અંતિમ ચુકાદો 16 એપ્રિલે આવવાની અપેક્ષા છે. ત્યારે ગ્રાન્ટેડ કોલેજોનું મેનેજમેન્ટ વાર્ષિક 2.5 લાખ રૂપિયાની નિરીક્ષણ ફી ચૂકવવા તૈયાર નથી, જ્યારે સરકાર પૂરતા શિક્ષણ કર્મચારીઓની નિમણૂક માટે જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) જારી કરી રહી નથી. જેથી બંને પક્ષો વચ્ચેના મડાગાંઠને કારણે, ગયા વર્ષે આ કોલેજોમાં કોઈ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ મુદ્દા પર કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે સૂત્રો સૂચવે છે કે સરકાર, બાર કાઉન્સિલ અને કોલેજ મેનેજમેન્ટ વચ્ચે સમાધાન થવાની અપેક્ષા હતી, પરંતુ હજુ સુધી કોઈ સર્વસંમતિ થઈ નથી. આ સાથે કોલેજ સત્તાવાળાઓનો દાવો છે કે ફીમાંથી થતી આવક ઊંચા નિરીક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતી છે. તેઓ સરકારી કોલેજોની જેમ ફીમાંથી મુક્તિ અથવા નિરીક્ષણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવાની માંગ કરે છે. તારે કેટલાક મેનેજમેન્ટે તો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેમની લો કોલેજો બંધ કરવાની ધમકી પણ આપી છે. જેથી હવે બધાની નજર 16 એપ્રિલે આવનારા હાઈકોર્ટના નિર્ણય પર છે.