- વોટર હેલ્પલાઇન, સી-વીજિલ, સક્ષમ, નો યોર કેન્ડીડેટ જેવી એપ્લીકેશન્સના માધ્યમથી ચૂંટણીલક્ષી વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ: હાલ ચૂંટણીને લગતા હેઝટેગ પણ ટ્રેન્ડમાં
’મારો મત, મારો અધિકાર’ – લોકશાહી શાસન વ્યવસ્થામાં દરેક નાગરિકનો મત ખૂબ જ કિંમતી અને પવિત્ર છે. હાલ સમગ્ર ભારતમાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરીને જનતાને સહભાગી બનાવવામાં આવી રહી છે. ત્યારે મહત્તમ મતદારોને જોડવાના આ સરાહનીય પ્રયાસો પૈકી એક છે – ડિજિટલ મીડિયાનો ઉપયોગ.
ડિજિટલ મીડિયા તરીકે કાર્યરત વિવિધ વેબસાઈટ અને એપ્લીકેશન ઉપર ચૂંટણી સંબંધિત ’અતથી ઇતિ’ માહિતી તો ખરી જ, સાથેસાથે મતદાર નોંધણી, મતદાર ઓળખ કાર્ડમાં ફેરફાર, ઉમેદવારોનો પરિચય, સમાચારો સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. વન સ્ટોપ સોલ્યુશન એવી ’વોટર હેલ્પલાઇન એપ્લીકેશન’, 100 મિનીટમાં રીસ્પોન્સ આપતી ’સી-વીજિલ એપ્લીકેશન’, દિવ્યાંગોને સેવાઓ પૂરી પાડતી ’સક્ષમ એપ્લીકેશન’, ઉમેદવારોની જાણકારી આપતી ’નો યોર કેન્ડીડેટ એપ્લીકેશન’ના માધ્યમથી ચૂંટણીલક્ષી તમામ વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
ઉપરાંત, ડિજિટલ મીડિયાનો ભાગ એવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં જુદાં-જુદાં હેન્ડલસ પર સ્વીપ એક્ટિવીટીઝની પોસ્ટ હેઝટેગ સાથે મૂકવામાં આવી રહી છે. તેમજ યુવાનો સુધી અચૂક મતદાનનો સંદેશો પહોંચાડવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને પણ ચૂંટણીલક્ષી ફોટો અને વીડિયોની પોસ્ટ, સ્ટોરી, રીલ્સ બનાવીને ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુ-ટ્યુબ, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. જેથી, લોકો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરીને મતદાન જાગૃતિ અભિયાનનો હિસ્સો બની શકે.
આ સમગ્ર પ્રવૃત્તિઓના ભાગરૂપે રાજકોટમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને અધિક જિલ્લા ચૂંટણી અધિકાર એન. કે. મુછારની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની મીટીંગ યોજાઈ હતી. જેમાં હજારો ફોલોઅર્સ ધરાવતા 35 યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સોશિયલ મીડિયા થકી મતદાન અર્થે લોકો સુધી પહોંચવાના અવનવાં આઈડિયાઝ વિષે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કોલેજીયનોને સોશિયલ મીડિયા થકી ઇલેક્શનમાં ઉપયોગી વેબસાઇટ્સ અને એપ્લીકેશનથી માહિતગાર કરવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. આ તકે ઇન્ફ્લુએન્સર્સ એ પણ યુવા મતદારોને મતદાન માટે આકર્ષવાની ઉત્સાહપૂર્વક ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયામાં ચૂંટણીને લગતા હેઝટેગ ટ્રેન્ડમાં છે. ત્યારે 10 – સંસદીય મત વિસ્તારના યુવાનો ડિજિટલ મીડિયા થકી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈને દેશના પર્વ ચૂંટણીને દીપાવવામાં અમૂલ્ય યોગદાન આપે અને ’મતદાન જરૂર કરો અને કરાવો’ના સૂત્રને સાકાર કરે, તેવો જિલ્લા ચૂંટણી તંત્રનો અનુરોધ છે.
પૂર્વ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ માટે ઘરે ઘરે જઈ પત્રિકા વિતરણ
68-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ઓછા મતદાનવાળા વિસ્તારોમાં ગતરોજ જિલ્લા પુરવઠા અધિકારી તથા રાજકોટ પૂર્વ મામલતદારના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાયું હતું. જેમાં ભાગ નં 62, શક્તિ પાર્ક, સેટેલાઇટ પાર્ક, ધારા એવન્યુના વિસ્તારોમાં ઝોનલ ઓફીસરશ્રી તથા બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા.
જ્યારે ભાગ નં 64માં પટેલ પાર્ક, દેવલોક પાર્ક, બાલાજી પાર્ક, શ્રીરામ પાર્ક, શિવશક્તિ પાર્ક તથા ભાગ-71માં કિંજલ પાર્ક, વૃંદાવન પાર્ક શેરી 1 અને 2, નાથદ્વારા પાર્ક, ભગવતી પાર્ક વિસ્તારમાં ઝોનલ ઓફીસરશ્રી રવિભાઈ ખીમાણી તથા ભાગ 64ના બુથ લેવલ ઓફિસર મયુરીબેન અને ભાગ નં.71ના બી.એલ.ઓ. મનીષાબેન કટારીયા દ્વારા ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ભાગ નં 253માં હુડકો ક્વાર્ટર અને તેની આજુ બાજુના વિસ્તારોમાં તથા ભાગ નં 221 તથા 222માં જંગલેશ્વર વિસ્તાર પાછળ તથા દેવપરા વિસ્તારની આજુ બાજુના વિસ્તારોમાં ઝોનલ ઓફીસર તથા બુથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને “મતદાર જાગૃતિ” પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. આ સાથે બધા નાગરિકોને ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી.