કર્મચારીઓએ ઘરે જ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો
ગીર સોમનાથ:વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં ૧૦૮ એમ્બ્યૂલન્સનો મહત્વનો ફાળો હોય છે. આપત્તિનાં સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યૂલન્સ સેવા જીવાદોરી સમાન બની છે. આવા જ એક કિસ્સામાં વેરાવળ 108ના કર્મચારીઓએ ઘરે જ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
જે અંગે વિગતે વાત કરવામાં આવે તો, વેરાવળ તાલુકાના ડારી ગામે રહેતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮માં કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ વેરાવળ 108ની ટીમ ના ઈ.એમ.ટી. કંચન જાદવ અને પાયલોટ ખુમાણસિંહ રાઠોડ સત્વરે પહોંચ્યાં હતાં. તેમજ ઈ.એમ.ટી.કંચન બેન દ્વારા પ્રાથમિક તપાસ કરવામા આવી હતી પણ દર્દીને અસહ્ય દુઃખાવો હોવાથી તાત્કાલીક અમદાવાદ 108 સેન્ટરના ડોક્ટર સાથે ફોનમાં માર્ગદર્શન લઈ અને સ્થળે જ નોર્મલ પ્રસુતિ કરાવી અને જરુરી દવા આપવામાં આવી હતી. આ રીતે માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
ત્યારબાદ માતા અને બાળક બન્નેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતાં. માતા સ્વસ્થ હોવાના કારણે અને દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. મહિલાના પરિવારે 108ની સેવાને બીરદાવી સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.