- શાળાઓ શરૂ થાય તેવી શક્યતા પણ સ્કૂલવાન-રીક્ષા ચાલુ થશે કે નહિ તે અનિશ્ચિત: આજે સાંજ સુધીમાં શાળા-કોલેજ શરૂ કરવા એસઓપી જાહેર થાય તેવી પુરી શક્યતા
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર માત્ર જીમ, રેસ્ટોરન્ટ, હોટલ કે શાળાઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓને લઈ જતા ખાનગી રીક્ષા અને સ્કૂલવાન પણ નિયમબદ્ધ ચાલે તે માટે કડક હાથે કામ કરશે તેવી તૈયારી કરી લીધી છે. આવતીકાલથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ થઈ રહી છે. ત્યારે આ મામલે સંચાલકો, વાલીઓ અને વિધાર્થીઓ હજુ અવઢવમાં છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, કે શિક્ષકોની સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માગતુ નથી. વિદ્યાર્થીઓની સલામતી માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સંચાલકો, આચાર્ય, શિક્ષકો ખૂબ જ સંવેદનશીલ છે. પરંતુ આજે અમે પ્રજા જોગ સ્પષ્ટતા એટલે કરવા માંગીએ છીએ કે રાજકોટની પ્રજામાં અને ખાસ કરીને શાળાના વાલીઓમાં શાળા સંચાલક એમના આચાર્ય કે એમના શિક્ષકો પ્રત્યે કોઈપણ પ્રકારની ગેરસમજણ ન ફેલાય. જેમ કે શાળા સલામતીની બાબતમાં એકદમ બેદરકાર છે કે કોઈપણ પ્રકારની સલામતી માટે ચિંતિત નથી આ પ્રકારનો જે મેસેજ સામાન્ય પ્રજામાં અને વાલીઓમાં જઈ રહ્યો છે તે ન જાય તે માટે આ સ્પષ્ટતા કરવામાં આવે છે. તમામ સંચાલકો કટીબદ્ધ છે, સંવેદનશીલ છે અને રાજકોટની પ્રજા અને પોતાના વાલીઓને એ ખાસ મેસેજ આપવા માંગે છે કે શાળાની સલામતીના વિષયમાં શાળાના સંચાલક કે એમના વહીવટી તંત્ર પર કોઈપણ પ્રકારની ગેરસમજણ કે શંકા ન કરે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પોતાની તમામ શાળાઓ સલામત રીતે શરૂૂ થાય એના માટે તંત્રની સાથે રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે કટિબદ્ધ છે પરંતુ તંત્ર દ્વારા પણ સલામતીના વિષયમાં કોઇપણ પ્રકારનું બાંધછોડ કર્યા વગર વ્યવહારુપણુ દાખવવામાં આવે એ પણ અત્યંત જરૂૂરી જણાય છે.
સરકાર તાકીદે ગાઈડલાઈન જાહેર કરી સંસ્થાઓ
ખોલવાની મજૂરી આપે: ડો. પ્રિયવદન કોરાટ
રાજકોટ શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ રાજકોટના અધ્યક્ષ ડોક્ટર પ્રિયવદન કોરાટે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારનો અભિગમ જે છે તે હકારાત્મક છે અને આશા છે કે આવતીકાલે સ્વનિર્ભટ શાળા અને જિલ્લા શૈક્ષણિક સંઘની જે ગ્રાન્ટ-ઇન-એડ શાળા છે તે ખુલી જશે. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર અને હકારાત્મક રીતે નહીં લે તો આવતીકાલે સમગ્ર રાજ્યની શાળાઓ પણ બંધ રહેશે કારણ કે શાળાઓ નો કોઈ વાંક નથી જે જરૂરી કાગળિયા અને જે અરજી કરવાની થતી હોય તે તમામ શાળા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. એટલે સૂકા પાછળ લીલું બળે તે યોગ્ય નથી.
અમને આશા છે કે આવતીકાલથી શાળા શરૂ થઈ જશે
ડી.વી. મહેતા (સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ)
ડી .વી મહેતાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમનું મંડળ છેલ્લા અનેક દિવસોથી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને મળી રહ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી સાથે જે વાત થઈ તે જોતા લાગે છે કે સરકાર હકારાત્મક અભિગમ દાખવી આવતીકાલથી જે નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે તેને ધ્યાને લઈ શાળાઓને ખોલશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી ન જોખમાઈ તે દરેક શાળાનો પહેલો ધર્મ છે અને કર્તવ્ય પણ છે અને આ વાતને ધ્યાને લઈને દરેક તકેદારીના પગલાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ લઈ રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જે કોઈ શાળાએ બ્યુ સર્ટિફિકેટ ન લીધેલું હોય તેને ધ્યાને લઈ તે તમામ શાળાઓ આ સર્ટિફિકેટ મેળવશે કારણ કે તમામ શાળાઓ દ્વારા આ અંગેની અરજી પણ કરી દેવામાં આવી છે પરંતુ કોઈને કોઈ કારણોસર એ અરજીને મંજુર અથવા તો ના મંજૂર કરવામાં આવી નથી અને પરિણામ સ્વરૂપે શાળાને જે બીયુ સર્ટિફિકેટ મળવું જોઈએ તે મળ્યું નથી. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આમાં કોઈ સરકાર કે તંત્રનો વાંક નથી પરંતુ માત્રને માત્ર જે વહીવટી જે પ્રક્રિયા હોય તેમાં ક્ષતિ છે.
કાલથી શહેરમાં સ્કૂલ વેન અને રીક્ષાનું ચેકિંગ
સરકારના પરિપત્ર મુજબ જે નિયમો અપડેટ કરવામાં આવ્યા છે તે મુજબ સ્કૂલની રીક્ષા અને વેન છે કે નહીં તેની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. વાહનો સલામતી સાથે વિદ્યાર્થીઓનું પરિવહન કરે તે જરૂરી છે. આરટીઓના નિયમ મુજબ તેમજ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પાસીંગ કરાવી નિયમ આધારિત વાહનોનો ઉપયોગ કરવામાં આવે.