કોર્પોરેશનને ત્રણ પ્લોટ ખાનગી મેળા માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હતા જેમાં એક પ્લોટ માટે જ ભાવ આવ્યા
કોરોના નબળો પડતાં હવે બે વર્ષના લાંબા અંતરાલ બાદ સાતમ-આઠમના તહેવારોની રોનક ફરી એકવાર પાછી આવી રહી છે. રેસકોર્ષ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પાંચ દિવસનો લોકમેળો યોજવાની ઘોષણા કરી દેવામાં આવી છે અને તડામારી તૈયારીઓ પણ ચાલી રહી છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા અલગ-અલગ ત્રણ ખાલી પ્લોટ ખાનગી મેળો યોજવા માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે ખાનગી મેળો યોજતા સંચાલકોમાં થોડો નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રણ પ્લોટ પૈકી એકમાત્ર નાનામવા રોડ પરના ગ્રાઉન્ડ માટે ઓફર આવી હતી. હવે રિ-ટેન્ડર કરાઇ તેવી સંભાવના પણ દેખાઇ રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા નાનામવા સર્કલ પાસેનો 9,438 ચો.મી.નો પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ કોમ્પ્લેક્સ સામેનો 5,388 ચો.મી.નો પ્લોટ અને અમીન માર્ગના કોર્નર પાસે ઝેડબ્લૂની સામેનો 4,669 ચો.મી.નો પ્લોટ સાતમ-આઠમના મેળા માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું.
જેમાં પ્રતિ ચોરસ મીટર એક દિવસનું અપસેટ ભાડું રૂ.5 નિયત કરવામાં આવ્યું હતું. જો કે, આ ત્રણ પ્લોટ પૈકી એકમાત્ર નાનામવા સર્કલ પાસેના પ્લોટ માટે ઓફર આવી છે. જેમાં 5 રૂપિયાની અપસેટ ભાવ સામે રૂ.5.50નો ભાવ સંચાલક દ્વારા આપવામાં આવ્યો છે.
જેના થકી કોર્પોરેશનને રૂ.15.50 લાખની આવક થશે. અન્ય બે પ્લોટ માટે આગામી દિવસોમાં ફરી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.