ઝવેરી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતનો અહેવાલ અપાયા બાદ ચૂંટણીની તારીખ જાહેર કરાશે

સૌરાષ્ટ્ર-કચ્છની 36 સહિત રાજ્યની 76 નગરપાલિકાઓમાં વહિવટદાર શાસન આવી ગયું છે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે રચાયેલા ઝવેરી આયોગનો અહેવાલ આવ્યા બાદ જે-તે પાલિકામાં અનામત બેઠકો નક્કી થયા પછી સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે. હવે ઓછામાં ઓછા છ મહિના સુધી 76 નગરપાલિકાઓમાં વહિવટદારોનું રાજ રહેશે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ,1963ની કલમ-8 મુજબ રાજ્યની 76 નગરપાલિકાઓ પૈકી 68 નગરપાલિકાઓની મુદ્દત ફેબ્રુઆરી- 2023 સુધીમાં પૂર્ણ થાય છે, 6 નગરપાલિકાઓની મુદ્દત બીજી માર્ચે પૂર્ણ થયેલ છે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓનું અનુક્રમે તા.30/06/22 અને તા.06/08/2022ના રોજ વિસર્જન કરવામાં આવ્યું છે. આ બંન્ને નગરપાલિકાને વિસર્જીત થયા છે. 6(છ) માસનો સમયગાળો પૂર્ણ થયેલ છે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ 8 મુજબ નગરપાલિકાઓની મુદત પ્રથમ બેઠકથી 5 વર્ષ સુધીની હોય છે અને મુદત પુરી થાય તે પહેલા સામાન્ય ચુંટણી યોજવાની હોય છે. પરંતુ નિવૃત્ત ન્યાયાધીશ કે. એસ. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરવામાં આવેલ છે. સમર્પિત આયોગે 90 દિવસમાં રાજ્ય સરકારને અહેવાલ/ભલામણ સોંપવાની રહેશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ. સમર્પિત આયોગ દ્વારા સરકારને સોંપવાના અહેવાલ/ભલામણની મુદત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવથી લંબાવવામાં આવેલ છે. રાજ્ય ચુંટણી આયોગના પત્રથી જ્યા સુધી સમર્પિત આયોગ દ્વારા સરકારને અહેવાલ/ભલામણ સોંપવામાં ન આવે ત્યા સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ શકે તેમ ન હોઇ આવી નગરપાલિકાઓ માટે વહીવટદારની નિમણૂંક કરવા જણાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છની 32 નગરપાલિકાઓમાં આજથી વહિવટદાર શાસન આવી ગયું છે. વહિવટદાર તરીકે મામલતદાર, પ્રાંત અધિકારી, ડેપ્યૂટી કલેક્ટર કે નિવાસી અધિક કલેક્ટરની વરણી કરવામાં આવી છે. કચ્છની ભચાઉ, રાપર અને નખત્રાણા નગરપાલિકા, જામનગર જિલ્લાની ધ્રોલ, જામજોધપુર અને કાલાવડ નગરપાલિકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા, સલાયા અને ભાણવડ નગરપાલિકા, મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર નગરપાલિકા, રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને ભાયાવદર નગરપાલિકા, પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા નગરપાલિકા, અમરેલી જિલ્લાની જાફરાબાદ, રાજુલા, ચલાલા અને લાઠી નગરપાલિકા, ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર, માંગરોળ અને માણાવદર નગરપાલિકા, જૂનાગઢ જિલ્લાની બાંટવા, ચોરવાડ, વંથલી અને વિસાવદર નગરપાલિકા, ભાવનગર જિલ્લાની સિંહોર, ગારિયાધાર અને તાલાલા પાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર, થાનગઢ નગરપાલિકા, બોટાદ જિલ્લાની બોટાદ અને ગઢડા નગરપાલિકા વહિવટદાર શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની ત્રણ, ખેડા જિલ્લાની પાંચ, પાટણ જિલ્લાની ત્રણ, બનાસકાંઠા જિલ્લાની બે, મહેસાણા જિલ્લાની ત્રણ, સાંબરકાંઠા જિલ્લાની ચાર, ગાંધીનગર જિલ્લાની એક, પંચમહાલ જિલ્લાની બે, મહિસાગર જિલ્લાની ત્રણ, દાહોદ જિલ્લાની બે, વડોદરા જિલ્લાની ત્રણ, આણંદ જિલ્લાની ત્રણ, છોટાઉદેપુર જિલ્લાની એક, તાપી જિલ્લાની એક, નવસારી જિલ્લાની એક અને વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં વહિવટદાર શાસન લાદી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.