- કોર્પોરેશન અને દરેડ જીઆઇડીસી આૌદ્યોગિક એસો. વચ્ચે સમજૂતી થતા કોર્પોરેશનને 30 કરોડનો વેરો મળ્યો: 75% રકમ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ કામો માટે વપરાશે
- સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશ કગથરાના હકારાત્મક અભિગમથી હાઉસ ટેકસઅને ટાઉન પ્લાનીંગ શાખાના સંકલનથી કોર્પોરેશનની આવકમાં થયો વધારો
- જામનગર મહાનગરપાલિકાને ગઇકાલે પુરા થયેલા નાણાંકીય વર્ષના અંતે રેકર્ડબ્રેક મિલ્કતવેરાની આવક થઇ છે. તે માટે વહિવટી ખામીઓ દૂર કરવા અને પ્રેક્ટીકલ નિર્ણય લેવાયાની બાબતને શ્રેય જાય છે.
જામનગર મહાનગરપાલિકાને નાણાંકીય વર્ષ 2023-24 માં મિલ્કતવેરાની 123.04 કરોડની આવક થઇ છે. ખાસ કરીને છેલ્લા ચાર દિવસમાં જ 22 કરોડ જેટલી આવક થઇ હતી. આ જ રીતે વોટર ચાર્જ તરીકે રૂા.15.76 કરોડ જેટલી આવક થઇ હતી. વહીવટી તંત્ર આ રેકર્ડબ્રેક આવક માટે પોતાની પીઠ થાબડી રહ્યું છે. જો કે કામ કર્યું હોય તો તેનો જશ લેવામાં કંઇ ખોટું નથી પરંતુ ક્યા કારણે આવક વધી કે વસુલાત વધી તે બાબત પણ લોકોના ધ્યાનમાં મુકવી જોઇએ.
જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરાની આવક 123.04 કરોડ થઇ હતી. છેલ્લા 4 દિવસમાં જ રૂા.22 કરોડની આવક થઇ હતી. આટલી રકમની વેરા વસુલાત માટેના મુખ્ય કારણોની વાત કરીએ તો ટેક્સ શાખાના કર્મચારીઓની મહેનત આ વખતે વધારે દેખાઇ હતી.
લાંબા સમય પછી ટાઉનપ્લાનીંગ શાખો ટેક્સ શાખા સાથે સંકલન કરી કમ્પ્લીસન આવ્યા બાદ મિલકત વેરા શાખાને મોકલી અને અપડેટ કરવું તેમજ ઇમ્પેક્ટમાં મંજુર થયેલી મિલ્કતોની ફાઇલ આકારણી માટે મોકલી હતી જેની સંખ્યા આશરે ત્રણ હજાર કરતા વધુ હતી.
આ ઉપરાંત જીઆઇડીસી ફેસ-2 અને 3 (દરેડ)ના ઉદ્યોગકારો સાથે વેરા પ્રશ્ર્ને લાંબા સમયથી કાનુની લડાઇ ચાલે છે. હાઇકોર્ટમાં મનપાની પિછેહઠ થતા મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રિમ કોર્ટમાં કેસનો નિકાસ આવે ત્યાં સુધી મનપાને કોઇ આવક ન થાય તે વ્યાજબી નથી. આથી મનપા અને ઔદ્યોગિક એસો. વચ્ચે સમજૂતી થઇ હતી કે જે વેરાની આવક થશે તેની 75 ટકા રકમ આ જ ઔદ્યોગિક વિસ્તારના વિકાસના કામો માટે વપરાશે. આ સમજૂતી બાદ લગભગ 30 કરોડ જેટલો વેરો મનપાને મળ્યો છે. આ બન્ને મુખ્ય કારણોમાં જ તે સમયે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય કરાવવામાં સહભાગી બન્યા હતાં.
જીઆઇડીસી અને કોર્પોરેશનના પ્રશ્ર્નોનો સુખદ અંત આવ્યો: નિલેશ કગથરા
‘અબતક’ સાથેની ટેલીફોનીક વાતચિતમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનને નાણાકીય વર્ષના અંતે રેકર્ડબ્રેક મિલકતવેરાની આવક થઇ છે. આ વખતે ચતુર વર્ષની આકારણી ઝડપભેર કરવામાં આવી હતી. જીઆઇડીસી ફેસ-2 અને 3 તે વર્ષ-2013માં કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યું હતું અને મનપાએ બીલ મોકલ્યા હતા. ત્યારે હાઇકોર્ટે 2013થી 2017ના બીલ રદ્ કરવામાં આદેશ કરેલ. કોર્પોરેશને 2018 થી 2023ના બીલ આપેલ ત્યારે કોર્પોરેશન અને ઉદ્યોગકારો વચ્ચે એમઓયુ થયા હતા. જેમાં વેરાની 75% આવક જીઆઇડીસીના વિકાસના કામો કરવા વપરાશે. તેથી કોર્પોરેશનને સમજૂતી બાદ 30 કરોડની વેરા પેટે આવક થવા પામી છે. અગાઉ જનરલ બોર્ડમાં વિરોધ પક્ષે જીઆઇડીસીના વેરાનો પ્રશ્ર્ન પૂછેલ જેમાં કોર્પોરેશનના હિતમાં નિર્ણય કરાતા વિરોધ પક્ષ પણ સહમત થયો હતો અને કોર્પોરેશનની આવકમાં વધારો થયો છે.
રપ00 થી વધુ મિલ્કતોની ફાઇલ આકારણી માટે મોકલાઇ
કોર્પોરેશનમાં લાંબા સમયથી ટાઉન પ્લાનીંગ શાખા અને ટેકસ શાખા વચ્ચે સંકલનનો અભાવ હતો. ત્યારે સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશ કગથરાએ ટાઉન પ્લાનીંગ શાખા અને ટેકસ શાખા વચ્ચે સંકલન કરી ઇમ્પેકટમાં મંજુર થયેલી મિલ્કતોની ફાઇલ આકારણી માટે મોકલેલ જેની સંખ્યા અઢી હજાર કરતા વધુ હતી. જેના કારણે કોર્પોરેશનની આવક વધી છે.