વિકાસમાં સૌથી મોટું અડચણ ભ્રષ્ટાચાર!!!
એશિયામાં ૩૯ ટકા ભ્રષ્ટાચાર માત્ર ભારત દેશમાં: ૩૭ ટકા સાથે કંબોડીયા બીજા ક્રમે જ્યારે માલદ્વીવ અને જાપાનમાં ૨ ટકાનો ભ્રષ્ટાચાર હોવાનો સર્વે
હાલના સમયમાં કોઈપણ વિકાસકાર્યો કરવા હોય તો વહીવટ કરવો ફરજિયાત બની ગયો છે. જો કોઈપણ કાર્યમાં વહીવટ કરવામાં ન આવે તો વિકાસના કામો ડહોળાતા હોય છે. હવે ભ્રષ્ટાચાર કરપ્શનનું માધ્યમ બની ગયું છે. લોકોએ પણ માની લીધુ છે કે, વહીવટ વગર કોઈપણ વ્યવહાર શકય બની શકે નહીં. હાલ જે સીસ્ટમમાં ફેરબદલ જોવા મળ્યો છે તેમાંથી લોકો પણ માને છે કે, માત્ર પગારથી ઘર ચાલી શકે નહીં. જેના માટે લોકોએ વહીવટ કરવો એટલો જ જરૂરી છે. માત્ર વિકાસના કામો જ નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રે બદલી કરાવવા સહિતના કાર્યોમાં પણ વહીવટ હવે અનિવાર્ય બની ગયો છે. જેને અડધો અડધ લોકોએ સમર્થન આપ્યું છે.
ભ્રષ્ટાચાર અંગે એશિયા ખંડમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઘટસ્ફોટ થયો છે કે, એશિયા ખંડમાં ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ૩૯ ટકાએ પહોંચ્યું છે. જેમાંથી ૪૭ ટકા ભારતીય લોકો માને છે કે, હાલ દેશમાં ભ્રષ્ટાચાર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જ્યારે ૬૩ ટકા લોકોનું માનવું છે કે, સરકારે છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે, ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ૩૯ ટકા છે. ત્યારબાદ કંબોડીયામાં ૩૭ ટકા, ઈન્ડોનેશીયામાં ૩૦ ટકા, માલદીવ અને જાપાનમાં માત્ર ૨ ટકા જ ભ્રષ્ટાચાર નોંધાયો છે. સાઉથ કોરીયામાં ૧૦ ટકા અને નેપાળમાં ૧૨ ટકા ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે વૈશ્ર્વિક સ્તર પર પારદર્શકતા લાવવા માટે સરકાર ભ્રષ્ટાચારને અટકાવવા અનેકવિધ કાર્યો હાથ ધરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશિયાએ સર્વે હાથ ધરતા જણાવ્યું હતું કે, વહીવટમાં પારદર્શકતા છે કે કેમ તે માટે ૨૦,૦૦૦ લોકો કે જે ૧૭ દેશોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ પર સર્વે પણ હાથ ધરાયો હતો. આ સર્વે જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાયો હતો જેમાં ગત વર્ષમાં લોકોએ કેટલા અંશે ભ્રષ્ટાચારનો સામનો કર્યો છે તેની માહિતી એકત્રીત કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની વાત કરવામાં આવે તો પોલીસ, કોર્ટ, પબ્લિક હોસ્પિટલ સહિતના સ્થળો ભ્રષ્ટાચારના મુખ્ય કેન્દ્રો રહ્યાં હોવાનું સામે આવ્યું હતું.
બીજી તરફ ભારતમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમાં એ વાતની પણ સ્પષ્ટતા થયેલી છે કે, જે લોકો પોલીસના સંપર્કમાં આવેલા હોય કોઈપણ કેસો માટે તેમાંથી ૪૨ ટકા લોકોએ વહીવટ કરી કેસને રફાદફા કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આધાર-પુરાવા માટે જરૂરી તમામ દસ્તાવેજો માટે પણ ૪૧ ટકા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ૩૯ ટકા જેટલા વ્યક્તિગત ઓળખાણો પોલીસમાં થયું હોવાનું જાણવા મળ્યું છે તો દસ્તાવેજોને એકત્રીત કરવા માટે ૪૨ ટકા લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો છે તો એવી જ રીતે કોર્ટને લગતી બાબતોમાં પણ ૩૮ ટકા જેટલા વહીવટથી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. અંતમાં એ વાત સ્પષ્ટ છે કે, કોઈપણ વહીવટ વગર વહીવટ શક્ય બની શકે તેમ નથી. ત્યારે ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવા માટે પ્રજાની જાગૃતતા હોવી એટલી જ જરૂરી છે.