દર્દીઓને જમીન પર સુવડાવવા પડે તેવી સ્થિતિ: ‘સબ સલામત હૈ’નું સુપ્રિન્ટેન્ડેન્ટ ગાણું

ગુજરાતભરના સિવિલ હોસ્પિટલોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલનો દરજજો અગ્રિમતા ધરાવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોપડે એવું બતાવવામાં આવે છે કે લગભગ બધા જ વિભાગો ઉપલબ્ધ છે. દરેક રોગની દવા અને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે એવું ચોપડે બતાવવામાં આવે છે પરંતુ ખાલી ચોપડે જ આ માહિતી છે એવું અબતક મીડિયાના સર્વે અનુસાર જોવા મળી રહ્યું છે.

હોસ્પિટલના ડિપાર્ટમેન્ટો બંધ અવસ્થામાં જોવા મળ્યા હતા. આ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ તો ટ્રોમા સેન્ટર બિલ્ડીંગમાં બીજા માળે આવેલું ન્યુરોસર્જન ઓ.પી.ડી. સંપૂર્ણપણે બંધ અવસ્થામાં જોવા મળ્યું હતું. આ વિભાગમાં બધી જ કિલનીકોમાં તાળા મારેલા હતા. ત્યારબાદ આ જ બિલ્ડીંગમાં ત્રીજા માળની મુલાકાત લેતા આખો માળ ખાલીખમ્મ જોવા મળ્યો હતો. આ વિભાગ ન્યુરો ઓપીડી કિલનીક માટે ફાળવવામાં આવ્યું છે પરંતુ હજી કોઈ પણ પ્રકારનું કામ હાથ ધરવામાં આવ્યું નથી અને હજુ આ માળને ફકત સ્ટોરરૂમ માટે રાખવામાં આવ્યું હોય તે પરિસ્થિતિ જોવા મળી હતી. સમગ્ર માળ અસ્ત-વ્યસ્ત જોવા મળ્યો હતો. અત્રે ખાસ નોંધનીય છે કે આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ ખાતે દર્દીઓની સાથે આવેલા તેમના પરિવારજનોએ અબતક સાથે વાતચીત કરતા તેમને ભોગવવી પડતી સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક બાજુ દર્દીઓને સુવડાવવા માટે જગ્યા નથી તેથી અમારે દર્દીને જમીન પર સુવડાવવા પડે છે અને તેમાં બીજીબાજુ વિભાગોના નામે જગ્યાઓ ખાલી પડેલી છે.

સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી રાજય કામદાર વિમા યોજનાની ઓફિસ પણ ઘણા સમયથી બંધ છે. આ વિશે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને પુછતા તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમયથી આ ઓફિસ બંધ છે. ઓફિસ બંધ રાખવા પાછળનું કારણ વિશે માહિતી કોઈ પાસે નથી પરંતુ અચાનક જ આ ઓફિસ બંધ કરી દેવાઈ હતી.

આ બધી જ માહિતીઓ એકત્રિત કર્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મનિષ મહેતાને આ બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે, હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ પણ ડિપાર્ટમેન્ટ બંધ અવસ્થામાં નથી. ત્યારબાદ તેમણે બંધ વિભાગોની માહિતી આવતા પ્રથમ તેમણે ન્યુરોસર્જન ઓપીડી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, પહેલા ન્યુરોસર્જન ઓપીડી સપ્તાહમાં એક જ દિવસ ચાલુ રાખવામાં આવતું હતું પરંતુ આજથી સપ્તાહમાં ત્રણ દિવસ ન્યુરોસર્જન ઓપીડી શ‚ રાખવામાં આવશે જે પગલું આજથી જ લેવામાં આવ્યું છે. ત્યારબાદ ટ્રોમા સેન્ટર ખાતે બંધ અવસ્થામાં રહેલ. બીજા માળ વિશે જણાવતા કહ્યું હતું કે, હાલ ટ્રોમા સેન્ટરનું પ્રથમ અને બીજો માળ ન્યુરોસર્જન ઓપીડી માટે ફાળવવામાં આવ્યું છે અને હાલ આ પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ વિભાગમાં મશીનો મુકવા, લાઈટ-ફીટીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારવા જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

હાલ આ પ્રોજેકટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે અને ટુંક સમયમાં આ કાર્ય પૂર્ણ થતા સમગ્ર ન્યુરોસર્જન વિભાગ તે સ્થળ ઉપર કાર્યરત થશે. અંતે રાજય કામદાર વિમા યોજનાની ઓફિસની બંધ અવસ્થા વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓફિસમાં કાર્યરત જે કર્મચારીઓ હતા હવે તેઓની જગ્યાએ બીજા કર્મચારીઓની નિમણુક થઈ નથી. જેથી હાલ આ ઓફિસ બંધ છે જયારે નવા કર્મચારીઓની નિમણુક થશે ત્યારે આ ઓફિસ ફરીવાર કાર્યરત થશે. પરંતુ ઉલ્લેખનીય છે કે ફકત કહેવાથી વિભાગો શરૂ નથી થતા જોવાનું એ છે કે કેટલા સમયગાળામાં આ વિભાગો કાર્યરત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.