હિન્દી સિને જગતની સૌથી મોંઘી ફિલ્મ આદિપુરુષ શરૂઆતથી જ વિવાદના વંટોળમાં સપડાયેલી છે. ત્યારે આ રામનવમીના રોજ તેનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં પણ યુઝર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે નિર્દેશક સહિત ફિલ્મી સ્ટાર કાસ્ટ પર મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નવા પોસ્ટરને કારણે પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ના દિગ્દર્શક-નિર્માતા ઓમ રાઉત તેમજ ફિલ્મના કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટરથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે કારણ કે તેમાં હિન્દુ પૌરાણિક કથાના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. સનાતન ધર્મના સંત સંજય દીનાનાથ તિવારીએ મુંબઈ હાઈકોર્ટના વકીલ આશિષ રાય અને પંકજ મિશ્રા દ્વારા મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં કેસની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામનવમી પર લોન્ચ કરવામાં આવેલા બીજા પોસ્ટર પર સીતા માતાએ સિંદુર લગાવેલું નથી તે મામલે વિરોdh કરવામાં આવ્યો હતો.
સંજયે પોતાની ફરિયાદમાં પવિત્ર ગ્રંથ રામચરિતમાનસમાંથી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવન ચરિત્ર પર લખેલું ‘આદિપુરુષ’ બનાવવામાં આવ્યું છે . તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ‘આદિપુરુષ’ના નવા પોસ્ટરમાં ભગવાન રામને હિન્દુ ધર્મગ્રંથ રામચરિતમાનસમાં જે રીતે દર્શાવવામાં આવ્યા છે તેનાથી વિપરીત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આદિપુરુષના નિર્દેશક-નિર્માતા ઓમ રાઉત અને તમામ કલાકારો વિરુદ્ધ મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 295 (A), 298, 500, 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ મામલે ઘણા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘ખેલ બના રહા હૈ ક્યા.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ લોકો ક્યારેય સુધરશે નહીં.’