લૌકિક પ્રસંગમાં ગયેલા પરિવારના મકાનમાં હાથફેરો કરી તસ્કરો કંપનીના પૈસા સહિત દાગીના પણ ચોરી ગયા
ગાંધીધામમાં આદિપુર ગામમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા મહિલાના મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડ અને દાગીના સહિત રૂ.૬.૪૩ લાખની મતાની ચોરી થઈ હોવાનું પોલીસ મથકમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આદિપુરમાં રહેતા અને આઇ.એચ.એ.લોજીસ્ટિક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડિમ્પલ બેન ગોપાલક્રિષ્ન જોનવાલ નામના ૩૭ વર્ષીય મહિલાએ આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૭મી ફેબ્રુઆરીના રોજ ફરિયાદી અને તેમના પરિવારના લૌકિક પ્રસંગે દાહોદ ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી પરત આવતા તેઓએ મકાનના તાળા તૂટેલા જોઈ સામાન વેરવિખેર જોતા કઈક અજુગતું થયું હોવાનું લાગતા મકાનની તલાસી લીધી હતી.
જેમાં જાણવા મળ્યા મુજબ મકાનમાં કબાટના તાળા તોડી તેમાં રહેલા કંપનીના રોકડા રૂ.૫.૪૦ લાખ તથા ફરિયાદીના પોતાના રોકડા રૂ.૬૦,૦૦૦ અને રૂ.૪૩,૦૦૦ કિંમતના સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ડિમ્પલ બેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.