અમિત શાહ ફેસબુક, ટ્વીટર અને વોટ્સએપના માધ્યમથી ૧૦૦ સેન્ટરોના ૧ લાખ યુવાનો સાથે વાતચીત કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમને ગતિ આપવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના આયુધો સજાવી લીધા છે. ભાજપ ચૂંટરી પ્રચારના માહોલને ગરમ કરવા માટે અત્યાર સુધી અસરકારક સૂત્રોને વહેતા મુકી મતદારોને ટાર્ગેટ કરતો આવ્યો છે. હવે સોશીયલ મીડિયાના જમાનામાં ભાજપે નવી રણનીતિ તૈયાર કરી છે. ભાજપે અધિકાર ગુજરાત કેમ્પેઈનનો પ્રારંભ કર્યો છે.
આગામી તા.૧૦ સપ્ટેમ્બરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોશીયલ મીડિયા ટાઉન હોલ ખાતેથી ૧૦૦ સેન્ટરોના એક લાખથી વધુ યુવાઓને સંબોધશે. કોંગ્રેસે પ્રચારનો પ્રારંભ કર્યો તેનો અસરકારક રીતે મુકાબલો કરવા માટે ભાજપે પ્રારંભમાં ગાંધીનગર ખાતે એક વિશાળ બૌધ્ધિક સંમેલન યોજવાની તૈયારી કરી છે. ૧૦મીએ અમિત શાહને યુવા વર્ગ ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી સવાલો પુછી શકશે.
અગાઉ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે મોટાભાગનું ભંડોળ સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર માટે ફાળવવાની જાહેરાત કરી હતી. ભાજપે તો ચૂંટણી પ્રચાર માટે સોશ્યલ મીડિયાના શસ્ત્રનો ઉપયોગ ઘણા સમયથી કરવાનું શ‚ કરી દીધું હતું. હવે રાષ્ટ્રીય પ્રમુખ પણ સોશીયલ મીડિયાના માધ્યમથી લાખો યુવાનોને સંબોધવા જઈ રહ્યાં છે. ટાઉન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં કોઈ ક્ષતિઓ ન રહી જાય તે માટે પ્રોફેસનલ્સની ટીમ અત્યારથી જ ગોઠવી દેવાઈ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ આજે મોંઘવારી, બેરોજગારી, જીએસટી તેમજ સરકારની નિષ્ફળતાઓ અંગેના મુદ્દાઓ પર સંવાદ કરે છે ત્યારે અમિતભાઈ ટ્વીટર, ફેસબુક, વોટ્સએપ અને મિસકોલ થકી મળનારા મુદ્દાઓ પર યુવાનો સાથે વાતચીત કરવાના છે.
સોશીયલ મીડિયાના સમયમાં રોજે-રોજ બદલાતા જનમાનસમાં અસરકારક સુત્રોને મજાક બનતા વાર લાગતી નથી એવા સમયે ‘ગર્જે ગુજરાત’ સૂત્ર તૈયાર કરવા પાછળ રણનીતિ એવી હતી કે, ૧૫૦ પ્લસ બેઠકોના લક્ષ્યાંકને પાર પાડવા કોંગ્રેસને પ્રત્યેક બુથમાંથી મુળ સમેત ઉખેડી ફેંકવી અને ૨૦૧૯ લોકસભાના વિજયનો પાયો નાખ્વો. પરંતુ સૂત્ર સમયથી વહેલું લીક થતા તેને બદલવાની ફરજ પડી હતી. ત્યારબાદ રાતોરાત નવું સુત્ર ‘અડીખમ ગુજરાત’ અપાયું હતું. ભાજપે તો લીક થયેલા સૂત્ર સાથે સમગ્ર કાર્યક્રમમાં જ બદલાવ કર્યો છે.