પ્રિ-પેકેજ ફૂડમાં માત્ર 25 કિલોથી વધુ વજનના ગુણી-બાચકાને જીએસટીમાંથી મુક્તિ, તેનો લાભ ઉઠાવવા ધંધાર્થીઓ પેકિંગમાં કરશે ફેરફાર
5 ટકા જીએસટીથી બચવા હવે ખાદ્ય વસ્તુઓના 30 કિલોના પેકીંગ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રિ-પેકેજ ફૂડમાં માત્ર 25 કિલોથી વધુ વજનના ગુણી-બાચકાને જીએસટીમાંથી મુક્તિ મળી છે. જેથી તેનો લાભ ઉઠાવવા ધંધાર્થીઓએ પેકિંગમા ફેરફાર કરવાનું મન બનાવ્યું છે.
પ્રી-પેકેજ અને પ્રી-લેબલવાળી ખાદ્ય ચીજો જેવી કે કઠોળ, ચોખા, લોટ, ઘઉં સહિત તમામ અનાજ પર 5% જીએસટી લાદવામાં આવ્યો છે. જે અત્યાર સુધી સામાન જીએસટીના દાયરાની બહાર હતા.પણ તેને જીએસટીમાં સમાવી લેવામાં આવ્યા છે. જેને લઈને વેપારીઓમાં વિરોધ વંટોળ ઉઠ્યો હતો. પરિણામે સરકારે સ્પષ્ટતા કરી હતી કે જો આવી વસ્તુઓ 25 કિલોથી વધુની બોરીઓ કે ગુણીઓ ઉપર જીએસટી લાગુ થવાનું નથી. માત્ર 25 કિલોથી ઓછા વજનના પેકિંગમાં જ જીએસટી લાગુ થશે.
બ્રાન્ડેડ ચોખા, ઘઉંનો લોટ અથવા આટા અને કઠોળનું વેચાણ કરતી કંપનીઓએ 25 કિલો સુધીના વજનના પ્રી-પેકેજ, પ્રી-લેબલવાળા ખાદ્યપદાર્થો પર 5% જીએસટી ટાળવા માટે મોટા પેકેટ બનાવવાનું શરૂ કર્યું છે. આ પેકેટો મુખ્યત્વે કિરાણા સ્ટોર્સ માટે છે. જ્યાંથી ગ્રાહકો લુઝમાં માલ ખરીદે છે, જેના માટે કોઈ જીએસટી વસૂલવામાં આવતો નથી.
સીબીઆઈસીએ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે 25 કિલોથી વધુ વજન ધરાવતી પ્રી-પેકેડ ખાદ્ય ચીજોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે. સોમવારથી નાના પેકેટો પર 5%ની વસૂલાત અમલમાં આવી છે.”અનાજ અને કઠોળના ઉત્પાદકો હવે 25 કિલોથી વધુના સિંગલ પેકેટનું ઉત્પાદન કરી શકે છે અને કિરાણા સ્ટોર્સને વેચી શકે છે. કિરાણા સ્ટોરના માલિકો ફક્ત પેકેટ ફાડીને ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ વેચી શકે છે. તેમ ગ્રાહકોને જીએસટી ઇન્ડિયન પલ્સ એન્ડ ગ્રેન્સ એસોસિએશનના ચેરમેન બિમલ કોઠારીએ જણાવ્યું હતું.