ઉનાળામાં રાજયના એક પણ વિસ્તારમાં પાણીની હાડમારી ન સર્જાય તે માટે સરકાર અત્યારથી સક્રિય: કેબિનેટમાં પાણી સહિતના મુદ્દે ચર્ચા
ઉનાળાનો હજી આરંભ પણ થયો નથી ત્યાં રાજયના અમુક વિસ્તારોમાં અત્યારથી પાણીની તંગી ઉભી થવા પામી છે. કાળઝાળ ઉનાળામાં ગુજરાતની જનતાને પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે સરકાર અત્યારથી જ ચિંતિત બની છે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજયની પાણીની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચાને કરવામાં આવી હતી.
આ ઉપરાંત બજેટ સત્ર, જી-ર0 બેઠક, ધારાસભ્યોની કાર્ય શાખા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય હતી.સામાન્ય રીતે દર બુધવારે રાજય સરકારના મંત્રી મંડળની બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષસ્થાને મળતી હોય છે. દરમિયાન આવતીકાલથી નવનિયુકત ધારાસભ્યોની ટ્રેનીંગ શરુ થઇ રહી હોવાના કારણે આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજયના અચુક વિસ્તારોમાં શિયાળામાં જ પાણીની અછત ઉભી થવા પામી છે. ત્યારે ઉનાળામાં ગુજરાતની જનતાને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવી હતી.
રાજયના અલગ અલગ ઝોન અને જિલ્લામાં ઉનાળામાં પીવાનું અને સિંચાઇના પાણીની કેટલી આવશ્યકતા છે તેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત જી-ર0 સમિટ અંતર્ગત આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનારી બેઠક, આવતા સપ્તાહથી શરુ થતા બજેટ સત્ર, ધારાસભ્યની કાર્યશાળા, ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય હતી.