ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રને ગત જૂન માસમાં ધમરોળનાર બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન પેટે કેન્દ્ર સરકારે વધુ રૂ.338.24 કરોડની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારે જૂન માસમાં ગુજરાતના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ફંડને રૂ.584 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.ચોમાસાના આરંભે જ અરબી સમુદ્રમાં સૌથી વધુ વિક્રમી દિવસો સુધી અલગ અલગ દિશાઓ બદલ્યા પછી બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ પરથી ગુજરાતના વિસ્તારોને ધમરોળ્યુ હતું. આને કારણે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પાવર સેક્ટરને નુકસાન થયું હતું.
કેન્દ્ર સરકારે જૂન માસમાં ગુજરાતના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ફંડને રૂ.584 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી
એક અંદાજ મુજબ 33 હજારથી વધુ થાંભલા, વીજ લાઇનો અને ટ્રાન્સ્ફોર્મર્સ, સબ સ્ટેશનોને નુકસાન થયું હતું. સરકારે રૂ.909 કરોડનું નુકસાન પાવર સેક્ટરને થયાનો અંદાજ મૂક્યો હતો. રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ, કૃષિ વિભાગને મળી કુલ રૂ.1797.82 કરોડના વ્યાપક નુકસાનની સામે વળતર-સહાય માટે સરકારે કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય વાવાઝોડાના ઉદ્ભવ વખતે જ રાજ્યને શૂન્ય માનવ જાનહાની સુનિશ્ચિત કરી આગોતરુ આયોજન કરવા સૂચના આપી હતી. તેના પગલે 1.43 લાખથી વધુ લોકોના સલામત સ્થળાંતર ઉપરાંત પશુધનને પણ બચાવાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી તત્કાળ રૂ.584 કરોડની સહાય રાજ્યને હવાલે મુકવાની જાહેરાત કરી હતી.