યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ નીતિ વિષયક નિર્ણય લઈ શકે તેમ ન હોય સિન્ડીકેટમાં પ્રશ્ર્ન મુકાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ કરતા બિનશૈક્ષણિક વર્ગના કરાર આધારીત ૩૦૦ જેટલા કર્મચારીઓને એજન્સી હેઠળ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે કર્મચારીઓને પી.એફ મળશે પરંતુ માસિક પગારમાં ૧૨ ટકાનો સંભવત: ઘટાડો થઈ જશે. જેથી એજન્સી હેઠળ મુકતા પહેલા પગાર વધારો કરવામાં આવે તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે. જોકે કુલપતિ પણ કાર્યકારી હોવાથી નીતિ વિષયક કોઈ નિર્ણય ન લઈ શકે તેના કારણે વર્ગ-૩ના કર્મચારીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.
આ મુદાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ગ-૩ના બિનશૈક્ષણિક કર્મચારીઓએ કાર્યકારી કુલપતિ ડો. નિલામ્બરીબેન દવે અને સિન્ડીકેટ સભ્ય ડો.નેહલભાઈ શુકલાની રજુઆત કરી હતી કે, અમારો છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધ્યો નથી અને હવે એજન્સી હેઠળ મુકવાના નિર્ણયથી અમારો પગાર ઘટી જશે જેથી જીવનનિર્વાહ ચલાવવું ખુબ જ મુશ્કેલ બનશે જોકે આ મામલે હકારાત્મક પ્રતિસાદ આપતા ડો.નેહલ શુકલએ જણાવ્યું હતું કે, આ પ્રશ્ર્ન સિન્ડીકેટ બેઠકમાં મુકવામાં આવશે અને સિન્ડીકેટ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.